મહેસાણામાં કેવી રીતે ચાલતું હતું એકના ડબલ કરવાનું કૌભાંડ? કેવી રીતે થયો પર્દાફાશ?
મહેસાણા: ગત મંગળવારે વડનગર અને ઊંઝા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એકના ડબલ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, કામલી અને રણછોડપુરા ગામની સીમમાં નકલી નોટો છાપવાનુ કારખાનું ચાલે છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ગઠીયાઓ કોરા બંડલની ઉપર અને નીચે ચલણી નોટો મૂકીને તેના પર રબર રીંગ લગાવી નોટોના બંડલ તૈયાર કરતા હતા. જે લોકોને પધરાવતા હતા. જોકે, રેડ દરમિયાન બીજું કશું મળી આવ્યું નથી. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસે દોલસંગજી મોહનજી ઠાકોરની બોરની ઓરડીમા તપાસ કરતા સ્ટીલના ટોકરમાંથી પોલીસને કુલ રૂ. 9,630ની કિંમતની ચલણી નોટોની સાથોસાથ 104 કોરા બંડલ મળી આવ્યા હતા. ઊંઝા પીઆઇએ જણાવ્યું હતું કે, આ એકના ડબલ કરવા માટેનું કૌભાંડ હતું.
આ અંગે જિલ્લાના પોલીસવડા ચૈતન્ય મંડલિકને બાતમી મળી હતી. આ બાતમીને આધારે કામલી અને રણછોડપુરા ગામની સીમમાં વડનગર પીએસઆઇ એસ.કે.દેસાઇ, ઊંઝા પીએસઆઇ અતુલ વાળંદે મંગળવારે સાંજે 7.30 કલાકે રેડ કરતા નકલી નોટો છાપવાના કારખાનાની બદલે એકના ડબલ કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
વડનગર અને ઊંઝા પોલીસે મંગળવારે મોડી સાંજે રેડ કરતા નકલી નોટો બનાવવાનું નહી પરંતુ એકના ડબલ કરવાનું કૌભાંડ ખુલ્યું હતું. પોલીસે કુલ રૂપિયા 9,630ની રૂ 10,100,20ની ચલણી નોટો સાથે 104 કોરા બંડલ કબ્જે કર્યા હતા.