Trending News: અસમના જંગલી હાથી ઘણી વખત જંગલમાંથી નીકળીને ગામમાં આવી જાય છે. આ સમયે અનેક વખત આવી ઘટના બને છે. આવી જ એક ઘટના એક વખત ફરી બની છે. જેમાં હાથીએ એક યુવક પર હુમલો કરી દીધો. હાથીને પાછળ આવતો જોઇએ ખુદને બચાવા માટે તે દોડે છે પરંતુ હાથીના સંકજામાં આખરે તે આવી જાય છે અને તેને કચડી નાખે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
આસામના ધુબરી જિલ્લાના તામરહાટ વિસ્તારના એક ગામમાં 18 ડિસેમ્બરના રોજ એક 30 વર્ષીય યુવક પર જંગલી હાથીએ હુમલો કર્યો હતો. આ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વન અધિકારીએ જણાવ્યું હતું કે, "વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાથીને જંગલ વિસ્તાર તરફ ભગાડવામાં આવ્યો હતો."
આ પહેલા છત્તીસગઢના કોરબા જિલ્લાના એક ગામમાં પહોંચેલા જંગલી હાથીઓના હુમલામાં એક મહિલાનું મોત થયું હતું. આ સમયગાળા દરમિયાન હાથીઓએ ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુવારે મોડી રાત્રે જિલ્લાના કટઘોરા વન વિભાગ હેઠળના તુમ્બહરા ગામમાં જંગલી હાથીઓના હુમલામાં બુધ કુંવરિયા (70) નામની મહિલાનું મૃત્યુ થયું હતું.
આસામમાં માણસો અને હાથીઓ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે
દેશમાં હાથીઓની બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતા આસામમાં જંગલની જમીનને ખેતરોમાં ફેરવવાને કારણે માનવ અને હાથીઓ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આ વર્ષે ટ્રેન અકસ્માત, વીજ કરંટ, ઝેરી અસર, ખાડામાં પડવા અને વીજળી પડવાને કારણે 71 હાથીઓના મોત થયા છે, જ્યારે 61 હાથીઓએ માણસો સાથેના સંઘર્ષમાં જીવ ગુમાવ્યા છે.આસામમાં હાલમાં લગભગ 5700 હાથી છે અને તે આ મામલે કર્ણાટક પછી બીજા ક્રમે છે. કર્ણાટકમાં 6000થી વધુ હાથીની સંખ્યા છે.