જયપુર:કોરોનાના ઓમિક્રોનની કર્ણાટકથી દેશમાં  એન્ટ્રી થયા બાદ ચિંતામાં વધારો થયો છે.ગુરૂવારે કર્ણાટકમાં ઓમિક્રોના બે કેસમાં સામે આવ્યાં. તો રાજસ્થાનમાં પણ દક્ષિણ આફ્રિકાથી આવેલા એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતી ઓમિક્રોન હોવાની શંકા સેવાઇ રહી છે.


ઉલ્લેખનિય છે કે, આ પરિવાર 7 દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર આવ્યો હતો જેમાં પતિ-પત્ની સહિત બે બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ પરિવારને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે અને તેના સેમ્પલ  જિનોમ સિકવેન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે.


કર્ણાટક સરકારના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનથી સંક્રમિત 66 વર્ષીય વિદેશી નાગરિક 20 નવેમ્બરે બેંગ્લોર આવ્યો હતો અને 27 નવેમ્બરે દુબઈ પાછો ગયો છે. 24 લોકો તેમના સીધા સંપર્કમાં આવ્યા હતા અને 240 ગૌણ સંપર્કો હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ચિંતા એ બેંગલુરુમાં જ મળી આવેલા બીજા દર્દીની છે, જે 46 વર્ષીય સ્થાનિક ડૉક્ટર છે અને તેનો કોઈ પ્રવાસ ઇતિહાસ નથી. આ વ્યક્તિ 22 નવેમ્બરના રોજ ઓમિક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, 13 પ્રાથમિક સંપર્કોમાંથી 3 અને 205 ગૌણ સંપર્કોમાંથી 2 લોકો પોઝીટીવ જોવા મળ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બેંગલુરુમાં ઓમિક્રોનના દર્દીઓ મળ્યા બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ સાથે વાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાતચીતમાં સીએમ બોમાઈએ કર્ણાટકના સ્વાસ્થ્ય કર્મચારીઓને રસીના બૂસ્ટર ડોઝ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


હૈદરાબાદમાં બ્રિટનથી આવેલી એક મહિલા કોરોના સંક્રમિત મળી આવી છે. આ 35 વર્ષીય મહિલાના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


ગુરુવારે દિલ્હીના એરપોર્ટ પર 6 મુસાફરો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા, જેમાંથી એક દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો. જોકે, તેમનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ હજુ આવ્યો નથી.


ગુજરાતના જામનગરમાં ઝિમ્બાબ્વેથી પરત આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.