ઉના પાસેના નવા બંદરમાં 10, સૈયર રાજપરા બંદર પાસે બે અને જાફરાબાદ બંદર પાસે એક સહિત દરિયામાં ગયેલ 13 બેટ તોફાની દરિયામાં ડુબતા 35 જેટલા ખલાસીઓ મધદરિયે ફસાયા હતા. જેમાં એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આજે આઠ ખલાસીઓની કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી શોધખોળ ચાલી રહી છે. તો અન્યને મહામુસીબતે બચાવી લેવામાં આવ્યા છે.


સૌરાષ્ટ્રના માછીમારો, ખલાસીઓને સમયસર ચેતવણી નહી અપાતા દરિયામાં જતા નહી અટકાવી અને 30 ડિસેમ્બર સુધી ટોકન આપીને પ્રશાસનની બેદરકારી રાખ્યાની ફરિયાદો થઈ છે. ઉના નજીક નવા બંદરના દરિયામાં ગયેલી 10થી 12 બોટ તૂટી જતા દરિયામાં ડુબી ગઈ હતી. તેમાં સવાર 12 માછીમારો લાપતા થયા હતા. જેમાં ચાર ખલાસી રમેશભાઈ રાઠોડ, અરજણ ગુજરીયા, ભરતી બાંભણીયા, ગોવિંદ મકવાણાને કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરીને બચાવી કાંઠે લવાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


જ્યારે ઉનાથી અહેવાલ મુજબ લાપતા થયેલ સાગર રાઠોડ, મોહન સોલંકી, ભીમા ચૌહાણ, નરશી મકવણા, કલ્પેશ સોલંકી, રામુ બાંભણીયા સહિત આઠ માછીમારોને બચાવવા કોસ્ટ ગાર્ડે બે હેલિકોપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે એક ખલાસી શૌકીલ શેખનો મૃતદેહ મળી આવ્યો હતો.


તો દસ બોટ દરિયાઈ તોફાનમાં ગુમ થઈ છે. ઉપરાંત ઉનાના સૈયદ રાજપરા પાસે દરિયામાં પણ મીની વાવાઝોડામાં બે બોટ દરિયામાં ગરકાવ થઈ હતી. અને 15 ખલાસીઓ ફસાયા હતા. જેમને અન્ય બોટની મદદથી બચાવી લેવાયા હતા.


નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આ મામલે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટે ના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.


મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે  કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડ ની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારો ને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.