પંજાબની 117 સભ્યોની વિધાનસભા (વિધાનસભા ચૂંટણી 2022) માટે મતદાન ચાલી રહ્યું છે. સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસની ટિકિટ પર મોગાથી ચૂંટણી લડી રહી છે. અભિનેતા સોનુ સૂદ તેની બહેન માટે પ્રચાર કરવા પંજાબમાં છે. દરમિયાન આજે વોટિંગ દરમિયાન સોનુ સૂદ એક પોલિંગ બૂથ પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ તેની કાર જપ્ત કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મોગા જિલ્લાના પીઆરઓ પ્રભદીપ સિંહે જણાવ્યું કે સોનુ સૂદ એક પોલિંગ બૂથમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની કાર જપ્ત કરીને ઘરે મોકલી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનૂ સૂદને એટલા માટે રોકી દેવામાં આવ્યો છે કારણ કે તે મતદાર નથી અને તે બૂથ પર જઈ રહ્યો હતો. આ અંગે સોનુ સૂદે કહ્યું કે, અમે નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. અમને વિપક્ષ દ્વારા, ખાસ કરીને અકાલી દળ તરફથી, વિવિધ બૂથ પર ધમકીભર્યા કોલ વિશે જાણ થઈ. કેટલાક બૂથ પર નાણાંની વહેંચણી કરવામાં આવી રહી છે. તેથી તપાસ કરવી અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવી એ અમારી ફરજ છે. તેથી અમે બહાર ગયા.
પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 2.14 કરોડથી વધુ મતદારો આજે તમામ 117 બેઠકો પર કુલ 1304 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.