અમદાવાદઃ સુરેન્દ્રનગરના બે યુવકના અપહરણનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો કર્યો છે. સુરેન્દ્રનગરના વેપારીના પુત્ર સહિત બે ખોજા યુવકોનુ અપહરણ કરી એક કરોડની ખંડણી માંગનાર આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓએ બન્ને યુવકોનુ અપહરણ કરી બે દિવસ ગોંધી રાખી માર પણ માર્યો હતો. જેને પગલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી ફરિયાદી વેપારીના પરિચિત એક સહિત 4 આરોપીની ધરપકડ કરી ખંડણીના 40 લાખ રોકડા કબ્જે કર્યા છે.


સુરેન્દ્રનગરથી અમદાવાદ ખરીદી માટે આવેલા બે મિત્રોનું પોલીસની ઓળખ આપી વસ્ત્રાલ પાસેથી અપહરણ કરવામા આવ્યુ હતું. અપહરણના કલાકો બાદ અપહરણ કારોએ વેપારી પાસેથી એક કરોડની ખંડણી માંગી હતી. ખંડણી અને યુવકોની હત્યાની ધમકી મળતા ગભરાયેલા ફરિયાદી આઝાદ હુદ્દાએ ક્રાઈમ બ્રાંચ સમક્ષ બનાવની રજૂઆત કરી હતી. જેના આધારે ક્રાઇમની અલગ-અલગ 11 ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા અને સમીર હુદ્દા અને સમીર વઢવાણીયાને છોડાવવા માટે ઓપરેશન શરૂ કર્યુ હતું.

ક્રાઈમ બ્રાંચે 150 પોલીસ કર્મીની મદદથી આ ગુનાના 4 આરોપી સિકંદર ઉર્ફે સલિમ, નિલેશ બારા, ધર્મેન્દ્ર ઉર્ફે ભીમો પરમાર અને વિપુલ રબારીની ધરપકડ કરી છે. પકડાયેલા 4 આરોપી માથી સિંકદરે અપહરણનું પ્લાનિંગ કર્યુ હતુ. સિકંદર ફરિયાદીના પરિચિત હતો અને પોતાનું તથા વિપુલનું દેવું ચૂકવવા માટે અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યુ હતુ.