અમદાવાદ: ગુજરાતમાં રોજે રોજ મોટી સંખ્યામાં દારુ ઝડપાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ તો સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એસએમસીએ રેડ પાડી દારુ ઝડપી પાડે છે. આવી જ ઘટના સામે આવી છે અમદાવાદના નરોડામાં. અહીં શાકભાજીના ટેમ્પોમાંથી દારૂની પેટીઓ મળી આવી છે. શાકભાજીના વાહનમાંથી SMCએ 1152 બોટલ દારૂ ઝડપી પાડતા ચકચાર મચી છે. આ મામલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હોય તેમ લાગી રહ્યું છે. શાકભાજીના ટેમ્પામાં દારૂની પેટીઓ છુપાવી હતી જેની માહિતી મળતા એસએમસીએ કાર્યવાહી કરી હતી. શાકભાજી ભરેલ ટેમ્પામાંથી 2.50 લાખનો દારૂ મળી આવ્યો હતો.
જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂ મળી આવતા ચકચાર
ગુજરાતમાં દારુબંધી હોવાની સરકાર ગમે તેટલા દાવા કરે પણ તે હંમેશા પોકળ જ સાબિત થઈ રહ્યા છે. તેમાય જો દારુના વેપલામાં શાસત પક્ષના નેતાઓના જ નામ સામે આવવા લાગે ત્યારે તો કહેવું જ શું, આવી જ દારુના વેપલાની ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના જસદણના કોઠીના નાલા વાડી વિસ્તારમાં. જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મહિલા સદસ્યનો પતિ મેહુલ ઉર્ફે રાજા કુંભાણી આ દારુનો વેપલો ચલાવતો હતો. જે બાદ પોલીસે રાજા કુંભાણીની ધરપકડ કરી છે. LCB પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જે બાદ કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના મહિલા સદસ્યના પતિનું નામ દારુના ધંધામાં સામે આવતા ચકચાર મચી છે. મહિલા સદસ્યના પતિએ વાડીના મકાનમાં વિદેશી દારૂ સંતાડ્યો હતો. રાજકોટ LCBએ વિદેશી દારૂની 341 બોટલ સાથે ₹ 1.23 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં SIT ના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ
મોરબી ઝુલતા પુલ તૂટવાની દૂર્ઘટના કેસમાં સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રિલીમીનરી રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો ન હોતો મુકાયો.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ અને સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટીંગ ન હોતું કરાયું. સાથે જ સામે આવ્યું છે કે 49માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા. જે એ દર્શાવે છે કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા. સાથે જ નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા અને આમ ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.