Continues below advertisement

અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં સૌથી ચર્ચિત અને અનોખા કૌભાંડો પૈકીના એક એવા બિટકોઈન કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ એસ.પી. જગદીશ પટેલ, પૂર્વ પી.આઈ. આનંદ પટેલ સહિત કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 2018ના વર્ષમાં સામે આવેલા આ કૌભાંડે પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણીને કારણે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી.

કૌભાંડની શરૂઆત અને ઘટનાક્રમ

Continues below advertisement

આ કૌભાંડની શરૂઆત સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે થઈ હતી. શૈલેષ ભટ્ટ પર આરોપ હતો કે તેણે સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઈન, 11,000 લાઇટકોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આ રકમ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારોનું અપહરણ કરીને મેળવી હતી.

શૈલેષ ભટ્ટે આ બિટકોઈન મેળવ્યાની જાણકારી તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાથીઓ કેતન પટેલ અને કિરીટ પાલડિયાને થઈ. આ ત્રણેયે શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈન પડાવી લેવાનો પ્લાન બનાવ્યો. આ યોજનામાં કેતન પટેલ અને નલિન કોટડિયાએ અમરેલી પોલીસના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ સાથે હાથ મિલાવ્યા. યોજના મુજબ, શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરી તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો. આ દરમિયાન તેની પાસેથી પહેલાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર દ્વારા અંદાજે રૂ. 5 કરોડ રોકડા પડાવ્યા હતા.

કાયદાકીય પ્રક્રિયા અને સજા

આ મામલાની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારી પક્ષે 172 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જ્યારે બચાવ પક્ષે માત્ર એક સાક્ષી હતો. કમનસીબે, આ કેસમાં 92 સાક્ષીઓ ફરી ગયા હતા, છતાં પુરાવા અને દલીલોના આધારે કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા. લગભગ ત્રણ મહિના સુધી ચાલેલી અંતિમ દલીલો બાદ કોર્ટે આ ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા તમામ 14 આરોપીઓને આજીવન કેદની કઠોર સજા ફટકારી. આ ચુકાદો પોલીસ અને રાજકીય વર્તુળોમાં ભ્રષ્ટાચાર સામે એક કડક સંદેશ આપે છે.

શૈલેષ ભટ્ટની ભૂમિકા

આ કૌભાંડમાં ફરિયાદી હોવા છતાં, શૈલેષ ભટ્ટની ભૂમિકા પણ વિવાદાસ્પદ રહી હતી. તેના પર 2,257 બિટકોઈન અને 14.5 કરોડ રૂપિયા વાપરવા અથવા છુપાવવાનો આરોપ છે. તેણે પોતે પણ બીટ કનેક્ટ કંપનીના કર્મચારીઓનું અપહરણ કરીને ખંડણી મેળવી હતી. આ ઉપરાંત, તેણે સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર સામે પણ રૂ. 10 કરોડની લાંચ માંગવા બદલ ફરિયાદ કરી હતી, જેમાં રૂ. 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.