અમદાવાદઃ શહેરના અમરાઇવાડીમાં રહેતી સગીરાને ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી નગ્ન વીડિયો ઉતાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રબારી કોલોની ખાતે આવેલા ક્લેશીયા ચર્ચના પાદરીએ સીગીરાને વીડિયો કોલ મારફતે કપડા ઉતરાવી નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. આ પછી તેને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહ્યું હતું. એટલું જ નહીં, સગીરાના સંબંધીને આ વીડિયો મોકલી દીધો હતો. આ સંબંધીએ સગીરાના માતા-પિતાને જાણ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. સગીરાની ફરિયાદને આધારે અમરાઇવાડી પોલીસે પાદરી ગુલાબચંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા પાડોશમાં રહેતી મહિલા સાથે ગયા વર્ષે કલેશિયા ચર્ચમાં ગઈ હતી. અહીં ચર્ચના પાદરી ગુલાબચંદ સાથે સગીરાની મુલાકાત થઈ હતી. આ સમયે પાદરીએ પોતાના માતા-પિતાને પણ ચર્ચમાં લાવવા જણાવ્યું હતું. જોકે, સગીરાએ આ અંગે પરિવારને જાણ નહોતી કરી. થોડા દિવસ પછી પાદરીના ભત્રીજાએ સગીરાના પિતાને ફોન કર્યો હતો અને તેમને ચર્ચમાં બોલાવ્યા હતા.

આ પછી સગીરા પોતાના માતા-પિતા સાથે ચર્ચમાં ગઈ હતી. તેમજ પાદરી પણ તેમના ઘરે આવ્યો હતો અને થોડા દિવસ પછી સગીરાના ઘરે પાદરીએ ભજન પણ કર્યા હતા. આ પછી પાદરીએ આ પરિવાર સાથે સંબંધ આગળ વધાર્યો હતો અને તે સગીરાના પિતાના મોબાઇલ પર વાત કરતો હતો. પાદરીએ અગાઉ કિસ કરતો ફોટો આઇ લવ યુ લખીને મોકલ્યો હતો. તેમજ વાતચીત કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.

પાદરી આટલેથી અટક્યો નહોતો અને સગીરા એકલી હોય ત્યારે વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો. તેમજ સગીરા ન માને તો બદનામ કરવાની ધમકી આપતો હતો. દરમિયાન એક અઠવાડિયા પહેલા સગીરાના સંબંધીને સગીરાના નગ્ન ફોટા આ પાદરીએ મોકલતા સમગ્ર ઘટના સામે આવી હતી.