Janmashtami Celebration: શુક્રવારે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન કેટલીક જગ્યા દુર્ઘટના પણ ઘટી છે.  અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન કિશોરનું મૃત્યુ થયું છે. હનુમાનવાળી પોળના ખાંચામાં આવેલ લાલ પોળમાં ઘટના સામે આવી છે. રાત્રે 1:14 કલાકે આ ઘટના બની હતી. 16 વર્ષીય દેવ પઢીયારનું પટકાઈ જવાથી મૃત્યુ થતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો. હાલમાં દરિયાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે.


વડોદરામાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના


વડોદરામાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના ઘટી છે. વડોદરામાં જન્માષ્ટમી પર્વ પર કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં  દુર્ઘટના ઘટી છે. મટકી ફોડતા સમયે બે ગોવિંદા નીચે પટકાયા છે. એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. યુવક નીચે પટકાતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. આ ઘટનામાં કુલ બે ગોવિંદા ઇજાગ્રસ્ત થયા છે.  કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં  આ ઘટના બનતા પાલિકાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. 


જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ


મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી  જતાં  બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. શ્રીકૃષ્ણની નગરી શહેર મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં નાસભાગ મચી જતાં બે શ્રદ્ધાળુના મોત થયા છે. મળતી માહિતી મુજબ  જન્માષ્ટમીની મંગળા આરતી દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. મંદિરમાં નાસભાગમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.  ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મંગળા આરતી સવારની પહેલી આરતી હોય છે, જે લગભગ 3-4 વાગ્યે થાય છે.  ગઈકાલથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યા હતા. મંગળા આરતી વખતે પણ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન અચાનક નાસમચી જતાં બે લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઘાયલ થયા હતા.


84 કોસમાં આવેલા તમામ મંદિરોમાં ભારે ભીડ









જગ્યા ન મળે તો ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી


એવું કહેવામાં આવી રહ્યું છે કે જન્માષ્ટમીના અવસર પર મથુરા-વૃંદાવનની તમામ હોટેલ-લોજ અને આશ્રમો ભરાઈ ગયા હતા. જન્માષ્ટમીની ઉજવણી માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ ફૂટપાથ પર સૂઈને પણ રાત વિતાવી હતી. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરા ગયા હતા અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી, જેના કારણે ઘણા લોકો મથુરા પણ પહોંચ્યા હતા.