અમદાવાદઃ ગઈ કાલે શુક્રવારે સાંજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં, શહેરના સરખેજ વિસ્તારમાં તો એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

આ સિવાય શહેરના બોડકદેવ, નરોડા, વટવા, ઓઢવમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સેટેલાઇટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, નારણપુરા સહિતના અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અમદાવાદમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઇ ગઇ હતી. બપોરે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. ગુજરાતમાં પણ કેટલાય જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. જોકે, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો નથી. નૈઋત્યના ચોમાસાને આગળ વધતા એકાદ સપ્તાહ થશે. હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે.



અમદાવાદના કયા ઝોનમાં કેટલો વરસાદ? (ઈંચમાં)

ઇસ્ટ ૦.૨૬

વેસ્ટ ૦.૧૨

નોર્થ વેસ્ટ ૦.૫૦

સાઉથ વેસ્ટ ૨.૧૨

સેન્ટ્રલ ૦.૨૧

નોર્થ ૦.૨૯

સાઉથ ૦.૫૬

સરેરાશ ૦.૫૭