ઘટનાની માહિતી પ્રમાણે, વર્ષ 2009થી હથિયારોની હેરાફેરી કરતા બે શખ્સો બબલુસિંગ રાજાવત અને અંકુશ રાજાવતની ક્રાઇમબ્રાંચની સાયબર સેલે થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા ગેંગના બે શખ્સોના નામ ખૂલ્યા છે. જે અંગે પોલીસે તપાસ કરી બળવંત ઉર્ફે બલિયો અને રાજુ ચોરની ધરપકડ કરી છે. આરોપીઓ વર્ષ 2009થી જ હથિયાર વેચતા હતા. ગુજરાતના ભાવનગર, બોટાદ, રાજકોટ જેવા શહેરોમાં આરોપીઓએ હથિયાર વેચ્યા હોવાનું બહાર આવ્યું છે.
હાલ પકડાયેલા બંને આરોપીઓમાંનો બળવંત ઉર્ફે બલિયો લૂંટ તથા હથિયાર અને અન્ય ગંભીર ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. અને રાજુ ચોર નામનો શખ્સ માથાભારે છે અને ભાવનગરમાં એક એક ગલીમાં લોકો તેને જાણે તેવો કુખ્યાત છે. આરોપી રાજુ પણ અનેક ગુના આચરી ચૂક્યો છે. હાલ તો આરોપીઓ ક્યાંથી અને કેટલા રૂપિયામાં હથિયાર લાવી ક્યાં અને કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.