અમદાવાદ: પોલીસ ઘરનો દરવાજો તોડી અંદર ગઈ તો, હાથ પગ બંધાયેલી ફાંસી પર લટકતી હતી યુવકની લાશ....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Aug 2020 08:40 AM (IST)
અમદાવાદના મેમનગરમાં આવેલ સસીતા એપાર્ટમેન્ટમાં ભાડેથી એકલા રહેતા 25 વર્ષીય નિખિલ સૂર્યવંશીને તેના જ ઘરમાં હાથ-પગ બાંધી ગળેફાંસો આપી હત્યા કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ગત 3 દિવસોમાં હત્યાના સિલસિલો યથાવત્ છે. ત્રણ દિવસમાં 5 હત્યાના બનાવ સામે આવ્યા છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 25 વર્ષીય યુવકની હત્યા કરેલી અને હાથ પગ બંધાયેલી ફાંસી ઉપર લટકેલી લાશ મળી આવી હતી. આ ઘટના જાણ થતાં આસપાસના લોકોનું ઘટનાસ્થળે ટોળું વળ્યું હતું અને ચર્ચાનો વિષય બન્યો હતો. અમદાવાદના મેમનગરમાં આવેલ સસીતા એપાર્ટમેન્ટમાં ભાડેથી એકલા રહેતા 25 વર્ષીય નિખિલ સૂર્યવંશીને તેના જ ઘરમાં હાથ-પગ બાંધી ગળેફાંસો આપી હત્યા કરવામાં આવી હતી. હત્યારો કોણ છે શા માટે હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નિખિલ સૂર્યવંશી છેલ્લા બે વર્ષથી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હતો અને પ્રહલાદ નગરમાં આવેલ વોડાફોન સ્ટોરમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો હતો. ઘાટલોડીયા સસીતા ડી-બ્લોકમાં રહેતા નિખિલ સૂર્યવંશીને ફ્લેટમાં આ હાથ-પગ બાંધીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે બાજુમાં રહેતા લોકોને દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસનું અનુમાન છે કે, પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી હત્યારાઓ એ ત્યાંથી અંદર આવીને હત્યા કરી ફરાર થઈ ગયા હોઈ શકે છે.