અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 293 કેસ નોંધાયા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે.


અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નવા 293 કેસમાંથી 81 કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. અત્યાર સુધી પશ્ચિમ ઝોનમાં કુલ 686 કેસ એક્ટિવ છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે 213 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે જ શહેરમાં કુલ 11 હજાર 700 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

નવા 293 કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 16 હજાર 360 પર પહોંચી છે. વધુ 23 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1 હજાર 184 પર પહોંચ્યો છે. હવે મધ્ય ઝોનમાં 371, પશ્ચિમ ઝોનમાં 686, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 248, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 295, ઉત્તર ઝોનમાં 787, પૂર્વ ઝોનમાં 601 અને દક્ષિણ ઝોનમાં 415 એક્ટિવ કેસ છે.

છેલ્લા દસ દિવસમાં 3006 કેસમાંથી 1722 એટલે કે 57 ટકા કેસ પશ્ચિમ પૂર્વ અને ઉત્તર ઝોનના છે. છેલ્લા દસ દિવસની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 595, ઉત્તરમાં 575 અને પૂર્વ ઝોનમાં 552 કેસ નોંધાયા છે.