Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના 300ની આસપાસ કેસ સામે આવતા હતા. જો કે, આજે કોરોના વાયરસે રોકેટગતિ પકડી છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 397 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. 


જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે અમદાવાદ અને મહેસાણામાં 1-1 મોત પણ થયા છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 137 કેસ, મહેસાણામાં 46 કેસ, વડોદરા શહેરમાં  27 કેસ, સુરત શહેરમાં 26 કેસ અને  રાજકોટ શહેરમાં 11 કેસ  નોંધાયા છે. 


કોરોના ધારણ કરી રહ્યો છે વિકરાળ રૂપ


ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7830 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસનો આંકડો 40,215 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,31,016 પર પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 4,42,04,771 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં રસીકરણનો આંકડો 220,66,24,326 પર પહોંચ્યો છે.


કોરોના સંક્રમણના મામલા ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં લોકોની ચિંતા વધી રહી છે. સંક્રમણની ઝડપને જોતા ફરી એકવાર કોરોનાની નવી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને વાયરસના વધતા જતા ફેલાવાને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવા જણાવ્યું છે.


કોવિન પોર્ટલ પર બુક કરાવી શકાય છે કોવોવેક્સ બૂસ્ટર ડોઝ


દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે, સોમવારે કેન્દ્ર સરકારે કોવિન પોર્ટલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવેક્સ રસીને પુખ્ત વયના લોકો માટે હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે સામેલ કરવાની મંજૂરી આપી છે. મંગળવારે (11 એપ્રિલ) SERUM સંસ્થાના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું કે Covax હવે COWIN પોર્ટલ પર ઉપલબ્ધ છે. અદાર પૂનાવાલાએ ટ્વિટ કર્યું કે ઓમિક્રોન XBB અને તેના પ્રકારો સાથે કોવિડના કેસ ફરી વધી રહ્યા છે, તે વૃદ્ધો માટે ગંભીર હોઈ શકે છે. હું વૃદ્ધો માટે સૂચન કરીશ કે માસ્ક પહેરો અને Covax બૂસ્ટર લો જે હવે Covin એપ પર ઉપલબ્ધ છે. તે તમામ વેરિઅન્ટ સામે અસરકારક છે અને અમેરિકા અને યુરોપમાં માન્ય છે.