સુરેન્દ્રનગર : અમદાવાદ કચ્છ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્રણ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે 1નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રા બાયપાસ પાસે એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરી 108ને બોલાવતા ટીમ પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાઈ હતી. પોલીસ હાલમાં મૃતકો કોણ હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ કરી રહી છે.