અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશન સર્તક બન્યું છે. મંગળવારે રાજ્યમાં નોંધાયેલા 72 કેસ પૈકી 44 કેસ એટલે કે 60 ટકા કેસ તો માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. કોરોનાના કેસ વધતા આજથી શહેરના એસટી અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તો AMCએ માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી છે.
હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. છેલ્લા સાત દિવસમાં જ અમદાવાદ શહેરમાં 217 કેસ નોંધાયા છે. 1 જૂનના રોજ અમદાવાદ શહેરમાં 21 કેસ હતા. જે બમણા થઈને 44 થઈ ગયા છે. કોર્પોરેશનને 1 જૂનથી 5 જૂન સુધીમાં વિવિધ સેંટરો ઉપર કુલ મળીને 8 હજાર 226 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા. જેમાંથી 142 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા.
રાહતની વાત છે એ કે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા સિંગલ ડિજિટમાં જ છે. 3 જૂનથી પાંચ જૂન સુધીમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના માત્ર 2 દર્દીઓ સારવાર હેઠળ હતા. હાલમાં અમદાવાદમાં 201 એક્ટિવ કેસ છે.
જો કે મોટાભાગના તમામ દર્દીઓ હોમ આઈસોલેસનમાં જ છે. જો આ જ ગતિથી સંક્રમણ વધતુ રહેશે તો નજીકના દિવસોમાં માસ્ક માટે કડકાઈથી અમલ શરૂ થવાની સંભાવના છે.
રાજ્યમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 72 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે જ 53 દર્દી સાજા થયા છે. સંક્રમણથી એક પણ મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,858 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 363 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 363 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,280 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 44, વડોદરા કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 7-7, રાજકોટ કોર્પોરેશન 3, અરવલ્લી- વલસાડમાં 2-2, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.