સાબરમતી સેન્ટ્રલ જેલમાં સિરિયલ બ્લાસ્ટના કેદી સહિત 54 કેદીઓ અને જેલના 16 અધિકારી પણ કોરોનાગ્રસ્ત છે. ડોક્ટરની ટીમે કેદીઓના કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી છે. જેલ સ્ટાફ અને અધિકારીઓને કોરોના થતાં જેલ તંત્રની કામગીરી ખોરવાઈ છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં હજી પણ અન્ય વિસ્તારો કરતા વધુ કેસ નોંધવાનો સીલસીલો ચાલુ છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ નવા 49 કેસ સાથે કુલ એક્ટિવ કેસ 592 થયા છે. જોકે તેની સામે રોજે રોજ નોંધાતા નવા કેસ અને મોતના આંકડા અગાઉની સરખામણીએ ઘટ્યા છે. નવા 225 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના કુલ 19,0 81 કેસ નોંધાયા છે. 199 નવા દર્દીઓ સાથે અત્યાર સુધી 14,787 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલ શહેરમાં 2938 એક્ટિવ કેસ છે. જયારે 1356 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. પશ્ચિમ ઝોન બાદ પૂર્વ ઝોનમાં વધુ કેસ છે. નવા નોંધાયેલા કેસમાંથી 45 કેસ સાથે પૂર્વ ઝોનમાં કુલ 456 એક્ટિવ કેસ છે.
ઉત્તર ઝોનમાં નવા 23 કેસ સાથે 440 એક્ટિવ કેસ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 31 કેસ સાથે એક્ટિવ કેસ 414 થયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા 27 કેસ સાથે એક્ટિવ કેસ 370 થયા છે. મધ્ય ઝોનમાં નવા 22 કેસ સાથે એક્ટિવ કેસ 200 થયા છે.