બોટાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બોટાદ જિલ્લામાં વધુ 6 કેસો સામે આવ્યા છે. આ તમામ કેસો બોટાદના વોર્ડ નંબર-9માં આવેલા વોરાવાડ વિસ્તારના છે. અગાઉના 57 વર્ષના પોઝિટિવ દર્દીના ચાર પરિવારના સભ્યો અને 45 વર્ષના પોઝિટિવ દર્દીના બે પરિવારના સભ્યોને કોરોના થયો છે.


આજે આવેલા પોઝિટિવ કેસોમાં 35 વર્ષીય યુવાન , 48 વર્ષની મહિલા , 4 અને 7 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. અન્ય પરિવારના 67 વર્ષના આધેડ અને 41 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, આજે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના વધુ 10 કેસો સામે આવ્યા છે. આ સાથે જિલ્લાાં કોરોનાના કેસોની સંખ્યા 53એ પહોંચી છે. આ અંગેની વિગતો એવી છે કે, ડીસામાં ઢેબર રોડ વિસ્તારમાં આજે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.



આ ઉપરાંત પાલનપુરના ગઠામણ, વાસણી, ગઢ અને ઇસ્લામપુરામાં બે બે કેસ પોઝિટિવ એટલે કે આઠ કેસ મળી કુલ 10 નવા કેસો બનાસકાંઠામાં સામે આવ્યા છે. ડીસામાં 2 દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે એક જ દિવસમાં પાંચ કોરોનાના કેસો સામે આવ્યા હતા. થરાદના પોલીસ કોન્સ્ટેબલને પણ કોરોના થયો છે. કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.