અમદાવાદઃ શહેરમાં આજથી શાકભાજી અને કરિયાણાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે, આ પહેલા તમામ સુપર સ્પ્રેડર ગણાતા ફેરિયા અને વેપારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 700 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે સરકારે શાકભાજી કે કરિયાણું ખરીદતા પહેલા કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી છે, તેમજ દરેક ગ્રાહકે ખરીદી કરતા પહેલા વેપારીનું હેલ્થ કાર્ડ તપાસવાની સલાહ આપવામાં આવી છે. તેમજ જેમની પાસે હેલ્થ કાર્ડ હોય તેમની પાસેથી વસ્તુ ખરીદો.

એડિશન ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હુતં કે, લગભગ 33 હજાર જેટલા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 12,500 સુપરસ્પ્રેડર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 700 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. 700 લોકો સિવાય સ્ક્રીનિંગ થયેલા લોકોને હેલ્થ કાર્ડ અપાયા છે. વડા પ્રધાનના દો ગજ દૂરીના સ્લોગનનું પાલન કરવા લોકોને સૂચના આપી છે. આ ઉપરાંત માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા અનિવાર્ય છે.



એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં શાકભાજી, ફળ, દવા અને કરિયાણાના વેચાણનો પ્રારંભ થયો છે. અમદાવાદની સ્થિતિને સામાન્ય કરવા માટે મહત્વનું પગલું ભરાયું છે. તેના માટે વિશાળ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. તેમજ જથ્થાનો પુરવઠો પણ પહોંચાડવામાં આવ્યો છે. 17 હજાર વિક્રેતાઓને હેલ્થ સ્ક્રિનિંગનું કામ ચાલુ છે અને શુક્રવારથી સવારે 8 વાગ્યાથી બપોરના 3 સુધી વેચાણ ચાલુ રહેશે.

અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સવારે 8થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય તેમજ પુખ્તવયના માણસો 11 વાગ્યા પછી જાય, જેથી આવી જગ્યાઓ પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. લોકોને અપીલ કરવામાં આવી છે કે, ઘરમાં બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. કોરોના સામેની લડતમાં જાહેર શિસ્ત જરૂરી છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો. લોકોએ ખરીદી કરતી વખતે 2 ગજની દૂરી રાખવી જરૂરી છે. એટલું જ નહીં, માસ્ક પહેરવું આવશ્યક છે.

આ ઉપરાંત ઘરમાં આવ્યા પછી કપડા બદલી નાંખવાની, હાથ ધોઇ નાંખવાની અને ન્હાવાની પણ સલાહ રાજીવ ગુપ્તા દ્વારા આપવામાં આવી છે.