ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 165 પર પહોંચી છે. આજે મંગળવારે 7 એપ્રિલે ગુજરાતમાં કોરોનાના વધુ 19 કેસ બહાર આવ્યા છે.

ગુજરાત સરકારે કોરોનાવાયરસનો ચેપ રોકવા માટે આક્રમક પગલાં ભરવા માંડ્યાં છે. તેના ભાગરૂપે રાજ્યમાં 15 વિસ્તારોને કોરોના હોટ સ્પોટ જાહેર કરાયા છે. આ તમામ હોટ સ્પોટને સંપૂર્ણ લોક ડાઉન કરી દેવાયા છે અને આ વિસ્તારોમાંથી કોઈ વ્યક્તિ બહાર નહીં આવીં શકે કે કોઈ અંદર નહીં જઈ શકે. અમદાવાદના આ વિસ્તારો તરફ લોકોએ ફરકવાની પણ ભૂલ નથી કરવા જેવી નહિંતર કોરોનાનો ચેપ લાગવાનો ખતરો બહુ મોટો છે.



રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ આ જાહેરાત કરતાં કહ્યું કે, આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 8 કોરોના ક્લસ્ટર બનાવ્યા છે અને કુલ 24 ટીમ અમદાવાદમાં 8 ક્લસ્ટરમાં કામ કરે છે. અમદાવાદમાં કોરોના ક્લસ્ટર જાહેર કરાયેલા વિસ્તારોમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, આંબાવાડી, જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં માતાવાળી પોળ તથા ભંડેરી પોળને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવા માટે કોરોના હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.