અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અહીં ડમ્પર ચાલકે એક 13 વર્ષના બાળકને અડફેટે લીધું છે. જે બાદ બાળકનું મોત થતા ટોળાએ ડમ્પરને આગ લગાવી દીધી હતી. બાળકનું નામ પારસ હતું. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે સ્થળ ઉપર પોલીસનો કાફલો મુકવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરાઇ છે. ઘટના સ્થળે પહોંચેલા ડીસીપી સફીન હસને કહ્યું કે, આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાસમાં પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી છે.


 



અકસ્માતની ઘટના બાદ ડમ્પર માલિક અને ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. લોકો એટલા ગુસ્સામાં હતા કે તેમણે ડમ્પર માલિકની ઓફીસના કાચ તોડી નાખ્યા હતા. હાલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


રાજકોટમાં ટ્રકે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત


રાજકોટ: શહેરમાં એક અકસ્માકની ગોજારી ઘટના સામે આવી છે. શહેરના માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. સવારે 10 વાગ્યે ભાવેશ અને જીતેન્દ્ર નારીગરા નામના સગાભાઈ કામ અર્થે જતા હતા તે દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ બન્નેને ગંભીર હાલમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને ભાઈઓના મોત નિપજ્યા હતા. મિસ્ત્રી કામ કરતા બન્ને સગાભાઈના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી શરૂ કરી છે. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આફ્રિકામાં અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત


આફ્રિકાના જામબીયામાં અકસ્માતમાં એક ગુજરાતીનું મોત નિપજ્યું છે. જંબુસરના કાવી ગામના સલમાન બશીર પઠાણનું મોત નિપજ્યું. એક્ટિવા અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં કાવી ગામના યુવાને જીવ ગુમાવ્યો. અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિને 3 પુત્રો છે. ઘરના મોભીના મોતથી ત્રણ પુત્રોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. સલમાન જોબ પરથી પોતાની એક્ટિવા ગાડી લઈને ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ માદરે વતન કાવી ગામે થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial