અમદાવાદ: દેવભૂમિ દ્વારકા મુખ્ય મથક ખંભાળિયામાં એકાદ સપ્તાહ પુર્વે સ્થાનિક ગુના શોધક શાખાએ શંકાસ્પદ આયુર્વેદિક પીણાનો જથ્થો ભરેલા એક મીની ટ્રકને પકડી પાડી સધન તપાસ હાથ ધરી હતી. જેમાં ખોટા જીએસટી નંબર અને પ્રમાણપત્ર અયોગ્ય હોવાનુ ખુલ્યુ હતુ. જેથી આ બનાવમાં પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરતા ચાંગોદર પાસે સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક દવાની આડમાં અનઅધિકૃત આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન અને વેચાણ કરતી એક ફેકટરીનો પર્દાફાશ થયો છે.


દેવભૂમિ દ્વારકા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચના પીઆઇ કે. કે. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમે ગત તા. 26મી જુલાઈના રોજ એક આઇસર ટ્રકની તપાસણી કરતા અંદરથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત "કાલ મેઘાસવ" નામની દવાનો આશરે 4000 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.જે વાહન ચાલકનુ બીલ તપાસતા અમુક બાબતો શંકાસ્પદ જણાઇ હતી.જેથી દવા અને ટ્રક વગેરે કબજે કરી સધન તપાસ હાથ ધરાઇ હતી.  જે તપાસ દરમ્યાન બીલમાં દર્શાવાયેલી હકીકત બાબતે સંબધિત કચેરી ખાતે ચકાસણી કરાતા ઉકત જી.એસ.ટી.નંબર ખોટા હોવાનું તથા નશાબંધી અને આબકારી વિભાગ તરફથી નિયમાનુસાર રીતે મેળવવાનું થતું ચોક્કસ પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું ખુલ્યુ હતુ.


 



જેના આધારે પી.એસ.આઈ જાડેજાએ પૂર્વયોજિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા મામલે ભરત ચના નકુમ, ચિરાગ લીલાધર થોભાણી તથા રમેશ ભોપા ખરગીયા સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ પી.એસ.આઈ એન.એચ.જોશી દ્વારા તપાસ વેગવંતી બનાવાઇ હતી. જે તપાસમાં ગુન્હામાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર ભરત નકુમની પૂછપરછ દરમ્યાન તે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ફેકટરીમાં ઉક્ત આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરતા હોવાની માહિતી મળી હતી.​​​​​​​ જેના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદીક કાલ મેઘાસવ નામની દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરવા માટેની મશીનરી, રો મટીરીયલ સહિત નશાયુક્ત પીણાંની 7277 બોટલ, ઇથાઇલ કેમિકલ 840 લીટર, તૈયાર મિશ્રણ 1000 લીટર સહિતનો અન્ય 40થી 50 જેટલી ચીજવસ્તુનો જથ્થો તથા એક ટ્રક મળી આશરે કી.રૂ.21,12,270ના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પુછપરછ દરમિયાન સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં તૈયાર કેમિકલ પદાર્થોનુ મિશ્રણ કરી સ્થાનિક મશીનરી મારફતે બોટલીંગ કરી તેનુ સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ વિસ્તારોમાં ગેરકાયદે બીલો બનાવી તેનુ માર્કેટીંગ-વેચાણ કરાતુ હોવાનુ સામે આવ્યુ હતુ.