અમદાવાદ: બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી અને તેના રાજ્યવ્યાપી વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


જેના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના  આર. એમ. પટેલ નાયબ કમિશનર (આઇ.બી.),  વાય. જી. દરજી, નાયબ કમિશનર (મુખ્ય મથક), વી. ડી. ડોબરીયા, મદદનીશ કમિશનર, અમદાવાદ ગ્રામ્ય, પ્રવર ઔષધ નિરીક્ષક એમ. આર. મુગલપુરા અને તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે. ફાર્માકેમ, મહારાજા હાઉસ, સેફ એક્ષપ્રેસની પાછળ, ચાંગોદર, અમદાવાદ ખાતે દિવ્યેશ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાયસન્‍સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતેથી મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ પેઢીને બનાવટી-સ્પુરીયસ એન્‍ટીબાયોટીક્સ સહીતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડેલ અને તેઓને ત્યાંથી દવાઓના નમુના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.


આ ઉપરાંત તંત્રની તપાસ દરમ્યાન એઝીથ્રોમાયસીન, સેફીક્ષીમ ડીસ્પર્સીબલ, એમોક્ષીસીલીન, પોટાશીયમ ક્લેવુલેનેટ, એસીક્લોફેનાક, પેરાસીટામોલ, સેરેસ્યીઓપેપ્ટીડેઝ ઘટક ધરાવતી ટેબલેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૦૯ દવાઓના નમુના લઈ પૃથ્થકરણ વાસ્તે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.


તંત્ર દ્વારા બનાવટી ઉત્પાદક ફેક્ટરી મે. ફાર્માકેમ માંથી માસ મીક્ષર, શીફ્ટર, કોમ્પ્રેસન મશીન (કુલ ૨), કોટીંગ મશીન, બ્લીસ્ટર પેકીંગ મશીન (કુલ ૩), એલ્યુ-એલ્યુ પેકીંગ મશીન (કુલ ૨), મશીનરી પાર્ટ, એએચયુ યુનીટ, એલ્યુમીનીયમ ફોઇલ, પીવીસી ફોઇલ, રૉ મટેરીયલ, કોટીંગ મટેરીયલ તૈયાર ટેબલેટ વગેરે મળીને આશરે ૧.૨૫ કરોડ રૂપિયાનો માલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્‍સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્‍સનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવો ખુબ જ ગંભીર ગુનો કર્યો હોવાથી ફેક્ટરીને કાયદેસરનું સીલ મારી બંધ કરવામાં આવી છે. 


ફેક્ટરીમાંથી રાજ્યના વિવિધ શહેરો જેવા કે (૧) તારા મેડીકલ એજન્‍સી, ભુજ, (૨) આર.એચ.ટી. ડ્રગ હાઉસ, રત્નમણી કોમ્પ્લેક્ષ, અમદાવાદ, (૩) નાયસર ફાર્મા, રત્નમણી કોમ્પ્લેક્ષ, અમદાવાદ (૪) મેડીકાસા હેલ્થકેર, ઉસ્માનપુરા, અમદાવાદ (૫) મા ચંદ્રા ફાર્મા, ભેસ્માન, સુરત, (૬) મે. નીલકેર લાઇફ સાયન્સ, પાંડેસરા, સુરત, (૭) મે. ડીજેન રેમેડીઝ, નારણપુરા, અમદાવાદ, (૮) નેટ્રોન ફાર્મા, વડોદરા, (૯) સીએસપી ડીસ્ટ્રીબ્યુટર્સ, વડોદરા, (૧૦) જે.ડી. ફાર્મા, ઇડર, (૧૧) કેશવ ડ્રગ એજન્‍સી, ઇડર ખાતે સપ્લાય કરેલ આશરે ૫૧ લાખની રૂપિયાની દવાઓ જપ્ત કરી છે અને આ તંત્રની ટીમે ગુજરાત રાજ્યની અન્ય વધુ પેઢીઓમાં પણ તપાસનો ધમધમાટ ચાલુ છે.