Rajya Sabha Election: આજે ભાજપના ચાર ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. જે.પી.નડ્ડા સિવાય હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા , ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ મયંક નાયક,ડૉ.જશવંતસિંહ પરમાર ઉમેદવારી પત્રક ભરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સચિવાલયના ગેટ નંબર 7થી વિધાનસભા સુધી રેલી સ્વરૂપે પહોંચશે. 4 હજાર જેટલા કાર્યકરો અને આગેવાનો રેલીમાં જોડાશે. રેલીમાં નાસિકના ઢોલ, શરણાઈ વગેરે માટે વ્યવસ્થા કરાઇ છે. જે. પી. નડ્ડા સાથે અન્ય 3 ઉમેદવાર પણ દાવેદારી કરશે.






લોકોને  સંબોધતા  નડ્ડાએ કહ્યું હતું કે ગુજરાત સાથે જોડાવવાનુ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતથી રાજ્યસભામાં જવુ તે સૌભાગ્યની વાત છે. મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો  મોકો આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું.


તેમણે કહ્યું હતુ કે અમારો ટાર્ગેટ છે કે અમે NDAને 400ને પાર કરી દઈશું અને અમે 370થી વધુ બીજેપીના ઉમેદવારોને જીતાડીશું. હું તમને બધાને ખાતરી આપું છું કે એક આદર્શ સાંસદ તરીકે મને જે પણ કામ સોંપવામાં આવશે તે હું સારી રીતે નિભાવીશ અને એક કાર્યકર તરીકે તમારી સાથે મારી જાતને જોડીશ. આપણે બધા વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક સાંસદ તરીકે હું ભાગ્યશાળી છું કે હું ગુજરાતમાંથી આ કાર્યને આગળ ધપાવી રહ્યો છું.






નડ્ડાએ કહ્યું હતું કે આજે મને ગુજરાતમાંથી ઉમેદવારી પત્ર ભરવાનો લહાવો મળી રહ્યો છે. મેં ઘણી બધી જગ્યાઓ માટે ઘણી વખત નોમિનેશન પેપર ભર્યા છે. પરંતુ ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવવી એ મારા માટે વિશેષ સન્માનની વાત છે. મને આ તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચૂંટણી સમિતિનો હૃદયપૂર્વક આભાર માનું છું.