અમદાવાદ: લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. મજબૂત સંગઠનની રચના કરવા માટે પ્રભારી અને પ્રમુખ તમામ સ્તરના લોકો સાથે ચર્ચા કરવા માગતા હોવાથી આજે દિવસભર રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. પહેલી બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ નેતાઓ સાથે યોજાઈ હતી અને બીજી બેઠક જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે યોજાઈ હતી.
પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષના નેતા અને પૂર્વ વિપક્ષના નેતાઓની બેઠકમાં માત્ર લોકસભાની આગામી ચૂંટણી અંગે જ નહિ પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા પ્રમુખ અને પ્રભરીએ કરી હતી. બંને બાબતોને ધ્યાનમાં રાખી જે લોકો કોંગ્રેસ પક્ષ મત રાત -દિવસ કામ કરે છે તેને આગળ લાવવા અને જે લોકો નિષ્ક્રિય છે તેમને હોદ્દા પરથી દૂર કરવા કડક વલણ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત હાલ જે લોકો હોદ્દા પર છે તેમના કાર્યનું મૂલ્યાંકન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે પ્રભારી અને પ્રમુખે બેઠક કરી હતી. નવા સંગઠન અંગે તમામ લોકોને તૈયારી કરવા અને લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
15મી ઓક્ટોબર સુધીમાં સિનિયર લીડર્સને રિવ્યૂ કરી રિપોર્ટ આપવા પ્રભારીએ સૂચના આપી છે. તમામ 26 લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી આગેવાનો જશે. જિલ્લા,તાલુકા અને શહેર પ્રમુખોની કામગીરીનો રિવ્યૂ થશે. રિવ્યુના આધારે પ્રમુખ પદેથી હટાવવા કે યથાવત રાખવા અંગે નિર્ણય લેવાશે. 30 ઓક્ટોમ્બર સુધી જિલ્લા,તાલુકા અને શહેર પ્રમુખ અંગેનો નિર્ણય લેવાવાની શક્યતા છે.
કોંગ્રેસના 8 નેતાઓને 26 લોકસભા મતક્ષેત્રની જવાબદારી સોંપાઈ
પક્ષ દ્વારા સોંપાયેલા કાર્યોની પ્રગતિ અને પ્રમુખોના કાર્યના મૂલ્યાંકન માટે જવાબદારી સોંપાઈ છે. 15મી ઓક્ટોબર સુધીમાં તમામ લોકસભા મતક્ષેત્રનો રિપોર્ટ પ્રભારી સોંપવા તાકીદ કરાઈ છે.
શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચની જવાબદારી સોંપાઈ
જગદીશ ઠાકોરને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને સાબરકાંઠા બેઠકની જવાબદારી
સિધ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણા બેઠકની જવાબદારી
અર્જુન મોઢવાડીયાને બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ અને કચ્છ બેઠકની જવાબદારી
ભરતસિંહ સોલંકીને પંચમહાલ, વડોદરા, નવસારી અને સુરત બેઠકની જવાબદારી
અમિત ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી
પરેશ ધાનાણીને ગાંધીનગર, પાટણ, પોરબંદર અને જામનગર બેઠકની જવાબદારી
સુખરામ રાઠવાને દાહોદ, બારડોલી અને વલસાડ બેઠકની જવાબદારી