અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો જે પૂર્ણ થતા નવી પોલિસી અમલમાં મૂકાશે. નવી પોલિસી અમલમાં આવતા જ હવે રજિસ્ટ્રેશન વગરના ઢોરને પકડીને મહાનગરપાલિકા ડબ્બામાં પુરશે. એટલું જ નહીં નોંધણી વગરના પશુઓને શહેરની હદમાંથી બહાર કાઢી મુકવામાં આવશે.
નવી પોલિસીનો શરૂઆતમાં વિરોધ થતા મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન 1090 પશુ માલિકે લાયસન્સ માટે અરજી કરી છે. જે પૈકી 123 પશુ માલિકોની અરજી મંજૂર કરાઈ છે. જ્યારે 390 અરજી રદ કરવામાં આવી છે. તો અત્યાર સુધીમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે 1148 અરજીઓ મળી અને 7 હજાર 742 પશુઓના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. તો 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં 8 હજાર 121 પશુઓ પકડવામાં આવ્યા હતા જ્યારે 209 પશુ માલિક સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે તો 90 દિવસમાં 28 હજાર 700 કિલો ઘાસચારો AMCએ જપ્ત કર્યો હતો.
ત્રણ વર્ષની લાયસન્સ ફી બે હજાર
નવી ઢોર પોલિસી અનુસાર, ઢોર રાખનાર વ્યકિત કે સંસ્થાએ ફરજિયાત લાયસન્સ લેવાનું રહેશે. પાંજરાપોળ, ગૌશાળા, માન્ય સંસ્થાઓએ પણ લાયસન્સ અને પરમીટ લેવી પડશે. લાયસન્સ અને પરમીટમાં દર્શાવેલી સંખ્યાથી વધુ ઢોર હશે તો દંડ ફટાકરવામાં આવશે. ત્રણ વર્ષની લાયસન્સ ફી બે હજાર અને પરમીટ ફી 500 રૂપિયા છે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રિન્યુ કરાવવાની રહેશે. પોલિસી જાહેર થયાના બે મહિનામાં RFID ટેગ લગાવવો પડશે. RFID ટેગ ન લાગેલો હોય તો પશુ દીઠ 200 રૂપિયા ચાર્જ મનપા વસૂલશે. 4 મહિનામાં ટેગ નહીં લગાવાય તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે અને ઢોર માલિક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાશે.
માલધારીઓ કરી રહ્યા છે વિરોધ
જોકે AMCની આ જોગવાઈ સામે માલધારીઓ વિરોધ કરી રહ્યા છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાયસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ રીતે સરકાર કાયદાની આંટીઘૂંટીઓ કરવાની જગ્યાએ રાજ્યમાં આવેલાં મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે.