ગાંધીનગર: રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમીંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે.  મુખ્યમંત્રીએ આવા ગેમીંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં  જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે. 


વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ


ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. 


એટલું જ નહિ, સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે. ગેમીંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ,  NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.


૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડની જોગવાઇ


આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે.  ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે.


રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિ હોનારત ૫છી ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા  માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઇ કરવી ખૂબ મહત્વની હોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે. 


આ પણ વાંચો...


Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ