અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તુતુ મેમે શરૂ થઈ ગયું છે. હવે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ દ્વારા અમદાવાદ ખાતે અમારી ઓફીસ પર રેડ કરી છે. આ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, મોટા નેતાઓના કહેવાથી અમારી ઓફીસ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. આ મામલે ઈસુદાન ગઢવી ટ્વીટ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રિટ્વીટ કર્યું હતું,
આપના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી
ઈસુદાન ગઢવીએ કહ્યં કે, ગુજરાતમાં આપનો ગ્રાફ વધતા ભાજપ ગભરાયું છે. 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે. અમારી પેટા ઓફિસે પોલીસના જવાનો પહોંચ્યા હતા.
લેપટોપ, ડેટા અને ડાયરી પોલીસે ચેક કરી. 1થી દોઢ કલાક સુધી પોલીસ અમારી ઓફિસમાં રેડ કરી. અનઓફિસિયલ રેડ હશે, કેમકે ભાજપની સ્ટાઈલ છે. અમારી ટીમે પૂછ્યું ત્યારે પોલીસનું આઇકાર્ડ પણ બતાવ્યું હતું. મનીષ સિસોદિયા અને કેજરીવાલ ઉપર રેડ કરી હતી. અરવિંદ કેજરીવાલના બેડરૂમ સુધી સીબીઆઈ પહોંચી હતી. પોલીસ કહે છે કે, કોઈ રેડ નહોતી. પોલીસને દિલ્હીથી દબાણ આવતું હશે, અમે સમજીએ છીએ. આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ આવીને રેડ કરો. રેડ કરો છો તો જાહેર કરો. અમારી અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. કોઈના બાપની જાગીર નથી આ દેશ.
આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન
આ અંગે ગોપાલ ઈટાલીયએ કહ્યું કે, ગઈકાલે રાત્રે 8:30 કલાકે કેટલાક પોલીસવાળા ગયા હતા. હિતેશભાઈ, પરસભાઈ નામના પોલીસકર્મી હતા. નવરંગપુરા પોલીસ મથકના પોલીસ કર્મી હતા. ડી સ્ટાફના માણસો હતા. અમે પોલીસને લેખિત રજૂઆત કરીશું કે સીસીટીવી ચેક કરાવે. ભાજપના કહેવાથી ટ્વીટ કરીને ખુલાસો પોલીસ કરે છે તે નહિ ચાલે. જો આ બંને લોકો પોલીસના કર્મચારી નથી તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે.
જો કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વીટ સામે અમદાવાદ પોલીસે પણ ટ્વીટ કર્યું છે. અમદાવાદ પોલીસે કહ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.
અમદાવાદ પોલીસના ટ્વીટ પર આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પણ ટ્વિટ કર્યું છે. આપ ઓફીસ પર દરોડા પડ્યા હોવાનો ગોપાલ ઇટલીયાએ દાવો કર્યો છે. ડેટા ઓફીસ પર નવરંગપુરા પોલીસ દ્વારા દરોડા પાડ્યા હોવાનો ગોપાલ ઇટલીયાએ દાવો કર્યો છે.
નોંધનિય છે કે, ગઈકાલે, અરવિંદ કેજરીવાલ સાંજે 7.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યાર બાદ સાંજે 8 વાગ્યે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા તેઓ દાવો આપ નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ કર્યો હતો. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસની રેડ
અમદાવાદ શહેરમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ પાડી હોવાની માહિતી આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું. ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે રેડ પાડી છે. બે કલાક તપાસ કરીને પોલીસ ચાલી ગઈ છે. તેમને કંઈ મળ્યું નથી. પોલીસે કહ્યું છે કે, ફરીથી આવીશું"
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
ઈસુદાન ગઢવીના આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ખરાબ રીતે હચમચી ગયું છે. ગુજરાતમાં "આપ" ની તરફેણમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહીં. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ."