Police raid on AAP office in Ahmedabad: અમદાવાદ શહેરમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ પાડી હોવાની માહિતી આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું. ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે રેડ પાડી છે. બે કલાક તપાસ કરીને પોલીસ ચાલી ગઈ છે. તેમને કંઈ મળ્યું નથી. પોલીસે કહ્યું છે કે, ફરીથી આવીશું"






અરવિંદ કેજરીવાલે શું કહ્યું?


ઈસુદાન ગઢવીના આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ખરાબ રીતે હચમચી ગયું છે. ગુજરાતમાં "આપ" ની તરફેણમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહીં. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ."






અરવિંદ કેજરીવાલ આવ્યા છે ગુજરાતના પ્રવાસે....


ઉલ્લેખનીય છે કે, આજે રવિવારે સાંજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે જ્યાં આજે તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. 


અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસના અંતિમ દિવસે 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની જાહેરાત કરશે. ત્યાર બાદ સાંજે કેજરીવાલ સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.