અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સંકલન સમિતીની બેઠક હોલાવાઈ હતી. સોમવારે મળેલી કોંગ્રેસની બેઠકમાં ભાજપ કરતા આમ આદમી પાર્ટી (AAP)ની ચર્ચા વધુ થઈ હતી. સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ને મળેલી સફળતાથી કોંગ્રેસના નેતાઓ અકળાયેલા છે ને આ બેઠકમાં તેમણે બળાપો કાઢ્યો હતો.


આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ એ મુસલિમન (AIMIM)ની ચર્ચા પણ ગુજરાત કો ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં વધારે થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓનૈસીની પાર્ટીને મળેલી સફળતા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.


આ બેઠકમાં આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં વધુ સફળ ન થવા દેવા અંગે રણનીતિ ઘડવાનું નક્કી કરાયું હતું. 2022ની વિધાનસભામાં AAP અને AIMIMને અટકાવવાની રણનીતિ ઘડવાનું નક્કી કરાયું હતું. 


સોમવારે પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કો-ઓર્ડિનેશન કમિટીની મીટિંગ મળી હતી. બેઠક પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસુદન મિસ્ત્રીએ પત્રકારો સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, બેઠકમાં ગાંધીનગર કોર્પોરેશન અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી મુદ્દે ચર્ચા થઈ હતી. 


આગામી વિધાનસભાની ચૂંટણીને ળઈને બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવાની વાત પણ પત્રકારો સાથે કરી હતી. કોંગ્રેસની બેઠકમાં સ્થાનિક સ્વરાજમાં થયેલા કારમા પરાજય મુદ્દે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઇવીએમ પર પણ સવાલો ઉઠાવાય હતા. કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પડ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. જોકે, બેઠકમાં પ્રદેશના કેટલાક નેતાઓ ગેરહાજર રહ્યા હતા.