હવે સૌની નજર આ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર મંડાયેલી છે ત્યારે એબીપી અસ્મિતા દ્વારા મતદાન પછી કરાયેલા પત્રકારોના પોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને ફટકો પડશે એવી આગાહી કરાઈ છે. એબીપી અસ્મિતાના પોલમાં પત્રકારોએ આગાહી કરી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકોમાંથી ભાજપને 131 જ્યારે કોંગ્રેસને 57 બેઠકો મળશે એવી આગાહી કરાઈ છે. આ સિવાય અન્યને 4 બેઠકો મળશે એવી આગાહી થઈ છે. આ 4 બેઠકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મળે એવી સંભાલના વ્યક્ત થઈ રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2015ની ચૂંટણીમાં ભાજપને 143 જ્યારે કોંગ્રેસને 48 બેઠકો મળી હતી જ્યારે અન્યને 1 બેઠક મળી હતી. આમ વર્તમાન ચૂંટણીમાં ભાજપને 12 બેઠકોનો ફટકો પડશે અને કોંગ્રેસની 9 બેઠકો વધશે એવું પત્રકારોનું માનવું છે.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.