એક દુખદ સમાચાર એબીપી અસ્મિતા પરિવારે આજે એક કર્મઠ સાથી ગુમાવ્યા છે.  એબીપી અસ્મિતાની ડિજિટલ ટીમમાં કાર્યરત એવા યુવા પત્રકાર અજયભાઈ વસાવાનું આજે  અકાળે નિધન થયું છે.   રિસર્ચ કરી રીપોર્ટ તૈયાર કરાવવામાં મહારથ ધરાવનાર 28 વર્ષીય અજયભાઈ વસાવાના નિધનના સમાચારથી માત્ર એબીપી અસ્મિતાએ જ નહીં પરંતુ ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે.


 ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવનાર અજયભાઈ વસાવાએ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સાતકાશી ગામથી શિક્ષણ મેળવી અમદાવાદમાં   ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલીઝમ કર્યું હતું.  હરહંમેશ છેવાડાના માનવીની ચિંતા કરી ગ્રામીણ વિસ્તારોના રીપોર્ટ તૈયાર કરનાર  આ હોનહાર જર્નાલીસ્ટની વિદાય અમને હરહંમેશ સાલશે.  


આ દુખની ઘડીમાં અજયભાઈના પરિવારને દુખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના.  અજયભાઈના પરિવાર સાથે  એબીપી અસ્મિતા પરિવાર પણ  દુખની લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના.