Accident: અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો હતો. શહેરના શેલામાં કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. હેરિયર ગાડીના ચાલકે ત્રણ કારને અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માત સર્જનાર ગાડીનો નંબર GJ 38 BE 9113 છે.




અકસ્માતની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ થયો હતો પરંતુ બાદમાં કારચાલક આરોપી મનોજ અગ્રવાલની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી. કારને પણ બોપલ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવી હતી. અકસ્માતમાં એક ગાડીની એરબેગ પણ ખુલી ગઈ હતી.




પ્રત્યદર્શીએ દાવો કર્યો હતો કે ગાડીની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે. શેલા વિસ્તારની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એક મહિલાને ઇજા પહોંચી હતી. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન પહોંચ્યુ હતું.  અકસ્માત સર્જનારની ગાડી સ્કાય સિટી ખાતે આવેલા ફ્લોરિસ નામની સ્કીમમાં મળી આવી હતી.પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ કારને શોધી લીધી હતી. જ્યારે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલકની પણ ધરપકડ કરી હતી.


નોંધનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ  શહેરના સી જી રોડ પર લાલ બંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. ચાર રસ્તા પર ટર્ન લેતી અલ્ટો કારને ફોર્ચ્યુનર ચાલકે ટક્કર મારી હતી. જેમાં અલ્ટો કાર ચાલક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત બાદ નંબર પ્લેટ કાઢીને ગાડીમાં મૂકી દેવામાં આવી હતી. કારચાલક સગીર હોવાનો અકસ્માત સર્જનાર વ્યક્તિના મિત્રનો દાવો કર્યો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ વિવેક દેસાઈ છે અને તે અલ્ટો કાર ચલાવતો હતો.


ઉલ્લેખનીય છે કે શહેરના સૌથી ગોઝારા અકસ્માતમાં સામેલ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે જગુઆર કારથી કચડીને 9 લોકોનો ભોગ લીધો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત નિપજ્યાં હતા. આ કેસમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં. 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી.