Arvind Kejriwal: ગુજરાત યુનિવર્સિટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આજે અરજન્ટ સુનાવણી થઇ શકે છે. કેસની તત્કાલ સુનાવણી માટે કોર્ટમાં માંગણી કરવામાં આવી શકે છે. સેશન્સ કોર્ટમાંથી કેજરીવાલ અને સંજયસિંહને કોઇ રાહત મળી નથી ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં વલણ ખૂબ મહત્વનું બની શકે છે.
અગાઉ આ કેસમાં પાઠવવામાં આવેલુ સમન્સ રદ્દ કરવા માટે અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે આ મામલે કોઇ રાહત આપી નહોતી. અરજીમાં મેટ્રોપોલિટન કોર્ટે જાહેર કરાયેલા સમન્સ પર વચગાળાના હુકમ પર રોક લગાવવાની માંગ કરી હતી. સમન્સને પડકારતી રિવિઝન અરજીમાં વચગાળાની રાહત આપવા સેશન્સ કોર્ટે ઈનકાર કર્યો છે. કેજરીવાલ અને સંજય સિંહ પર પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો આરોપ છે. બાદમાં કેજરીવાલ સમન્સને રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.
31 માર્ચ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ કેસ પર ચુકાદો આપ્યો હતો અને ફરિયાદીને ડિગ્રી ન બતાવવા કહ્યું હતું. બાદમાં દિલ્હીના સીએમ કેજરીવાલે 1 એપ્રિલ 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની ડિગ્રી લઈને અયોગ્ય શબ્દો કહ્યા હતા. આ બાબત ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. 2 એપ્રિલે સંજય સિંહે પીએમની ડિગ્રી મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો સોશિયલ મીડિયા પર મૂકી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બાદમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ સામે સમન્સ જાહેર કરાયું હતું. અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જે મુદ્દે મેટ્રો કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નોટીસ આપી હતી.