Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાયવત છે. બગોદરા-લીમડી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી છે અને બે લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


રાજકોટના સંત કબીર રોડ પર બાઇક પર જતાં પિતા-પુત્રને ટેન્કરે થોડા દિવસ પહેલા કચડી નાખ્યા હતા. આ જ પ્રકારનો અકસ્માત શુક્રવારે મેટોડા જીઆઈડીસી પાસે સર્જાયો હતો. જેમાં 14 વ્હીલવાળા કન્ટેનરે બાઇક પર જતાં પિતા-પુત્રને ચગદી નાખતા અરેરાટી વ્યાપી ગઇ હતી. મેટોડા પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. બંને પિતા-પુત્ર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. જેને કારણે પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.


પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જેતપુરના ઉમરાળી તાલુકાના અને અને હાલ લોધીકા વડવાજડી ગામે રહેતા સંજયસિંહ (ઉ.વ. 35), પિતા જીલુભા ભાટી (ઉ.વ. 62)ને બાઇક પાછળ બેસાડી મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. 1 પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા કન્ટેનરે હડફેટે લીધા બાદ તેમના શરીર પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. તત્કાળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. મૃતક સંજયસિંહને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મેટોડાના પીએસઆઈ ગોહીલે જણાવ્યું કે મૃતક સંજયસિંહ મેટોડા જીઆઈડીસીમાં ગેઇટ નં. 2માં આવેલ બાલાજી મલ્ટી પ્રેસ નામના કારખાનામાં નોકરી કરતા હતા. જ્યારે તેના પિતા વડવાજડી ગામે ખેતી કરે છે. બંને લગ્નપ્રસંગમાં જવા માટે વડવાજડી જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો.


મેટોડા જીઆઈડીસીનાં ગેઇટ નં. 1 પાસેથી કન્ટેનરે ટર્ન લીધા બાદ પિતા-પુત્રના બાઇકને હડફેટે લીધા હતાં. બન્નેના પેટ સહિતના ભાગો પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં માંસના લોચા નીકળી ગયા હતા. જેને કારણે સ્થળ પર અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં.  જે તે વખતે અકસ્માત  સર્જી ભાગી ગયેલાં કન્ટેનરના ચાલકને બાદમાં મેટોડા પોલીસે ઝડપી લીધો હતો