ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં છેલ્લા 10 દિવસથી ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી , માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલ અને રાહુલ જૈન ફરાર છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે ફરાર આરોપીઓના ઘરમાં ગુરૂવારે બપોર બાદ સર્ચ હાથ ધર્યું હતું. લોકોને બીમારીઓનો ડર બતાવી ખોટા ઓપરેશનો કરી કરોડો રૂપિયા બનાવનારા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના ઘરમાંથી પોલીસને વિદેશી દારૂની મોંઘીદાટ બોટલો મળી આવી હતી.


આટલું જ નહીં કાર્તિકના ઘરેથી પોકરના કોઈન પણ મળી આવ્યા હતા. જ્યારે અન્ય આરોપીઓના ઘરેથી કંઈ હાથ લાગ્યું ન હતું. દારૂ મળી આવતા ક્રાઈમબ્રાંચ પરમિટ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધશે.  ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખૂલ્યું કે કાર્તિક પટેલ ચિક્કાર દારૂ ઢીંચી બેડરૂમમાં રામધૂન વગાડતો હતો. આટલું જ નહીં પોલીસને તેના ઘરમાંથી 50 હજાર રૂપિયાની કિંમતની મોંઘીદાટ દારૂની બોટલો મળી આવી હતી. તેને ગ્લેમ્બલિંગ, ઘોડેસવારી અને દારૂનો શોખ છે. કાર્તિકના બંગલાની વર્તમાન બજાર કિંમત 50 કરોડથી વધુની છે. કાર્તિકના બંગલામાં રહેતા ઘરઘાટીએ 20 મીનિટ સુધી પોલીસ અધિકારીઓને બંગલામાં પ્રવેશ આપ્યો ન હતો. જોકે PSIએ પંચો સાથે બંગલાના દરવાજાનું તાળુ તોડવાનો આદેશ કરતા જ ઘરઘાટીએ બંગલો ખોલી આપ્યો હતો. અહીં ક્રાઈમબ્રાંચે ચાર કલાકથી વધુ સમય સુધી તપાસ કરી હતી.


કાર્તિકના બંગલામાં થિયેટર રૂમ, બાર સ્ટાઈલની વ્યવસ્થા, 15થી વધુ એસી, મેકઅપ રૂમ, પાંચ મીટિંગ રૂમ, ફાઈવ સ્ટાર હોટલ જેવા વૈભવી બેડરૂમ આવેલા છે. ત્રીજા માળે થિયેટર રૂમાં તપાસ કરતા એક થેલામાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી.  આ બોટલની ડ્યુટી ફ્રીમાં કિંમત 35 હજારથી વધુ છે.


આ તરફ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના ઘરે પણ ક્રાઈમબ્રાંચે તપાસ કરી હતી. શહેરના કોર્પોરેટ રોડ પર આવેલા રિવેરા બ્લુ નામના B-31 નંબરના ઘરે ક્રાઈમબ્રાંચે તપાસ કરી હતી.  અહીં ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો હતો કે ચિરાગ પણ કાર્તિકની જેમ વૈભવી લાઈફ જીવે છે.  ચિરાગ રાજપૂતના ઘરે પણ ક્રાઈમબ્રાંચના સર્ચ દરમિયાન ઈમ્પોર્ટેડ વિદેશી દારૂની 40થી વધુ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ચિરાગના ઘરેથી મળેલી દારૂની બોટલોની કિંમતો 5 હજારથી લઈને 50 હજારની કિંમતની હોવાનું કહેવાય છે.