Jeet Adani Wedding: આજે 7 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્ન યોજાશે. જોકે લગ્ન ખૂબ જ સાદાઇથી જ યોજાઇ રહ્યા છે. પરંતુ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિવા શાહ અને જીત અદાણીના લગ્ન અમદાવાદના શાંતિગ્રામ ટાઉનશિપમાં યોજાશે. પરિવારના સભ્યો સહિત 600 લોકોની હાજરીમાં લગ્ન યોજાશે. લગ્ન અગાઉની વિધિઓ શાંતિપથ રોડ ખાતેના શાંતિવન બંગલોમાં યોજાશે. સાંજના શુભમુહૂર્તમાં કપલ લગ્નના ફેરા ફરશે.
સુરક્ષામાં સામેલ ખાસ લોકો કોણ છે?
વર્ષ 2022માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને Z સુરક્ષા આપવામાં આવી હતી. આ સુરક્ષાનો માસિક ખર્ચ જે લગભગ 15 થી 20 લાખ રૂપિયા છે, તે ગૌતમ અદાણી પોતે ઉઠાવે છે. Z કેટેગરીની સુરક્ષામાં લગભગ 22 જવાનો તૈનાત હોય છે. આમાં 6 NSG કમાન્ડો અને અનેક પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ સુરક્ષા દિલ્હી પોલીસ, ITBP અથવા CRPFના જવાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ સુરક્ષા ગૌતમ અદાણી સાથે 24 કલાક રહે છે, એટલે કે જો તેઓ તેમના પુત્રના લગ્ન માટે તેમના ઘરે હશે તો આ સુરક્ષા ત્યાં પણ રહેશે. આ ઉપરાંત, ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અદાણીની ખાનગી સુરક્ષા પણ લગ્ન સ્થળની સુરક્ષા કરી રહી છે.
'મંગલ સેવા' થી શરૂઆત
લગ્ન પહેલા અદાણી પરિવારે નવપરિણીત દિવ્યાંગ મહિલાઓને મદદ કરવા માટે 'મંગલ સેવા' કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે હેઠળ દર વર્ષે 500 દિવ્યાંગ મહિલાઓને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. જીત અદાણીએ તેમના લગ્નના બે દિવસ પહેલા જ 21 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓ અને તેમના પતિ સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર આ સંકલ્પ પર ખુશી વ્યક્ત કરી અને લખ્યું કે તેમનો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક પવિત્ર સંકલ્પ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ પ્રયાસ દ્વારા ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોનું જીવન સુખ, શાંતિ અને સન્માન સાથે આગળ વધશે.
જીત અદાણી શું કરે છે?
જીત અદાણી હાલમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર છે. તેઓ અદાણી ગ્રુપના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્સ અને કોપર વ્યવસાયોનું પણ નિરીક્ષણ કરે છે. આ ઉપરાંત તેઓ અદાણી ગ્રુપના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પણ પ્રભારી છે. જ્યારે દિવા જૈમિન શાહ હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. લગ્નની બધી વિધિઓ અમદાવાદમાં થશે. જીત અને દિવાની સગાઈ 14 માર્ચ, 2023ના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં થઈ હતી.