અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે.  કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ લાદવા અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.


એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  સરકાર પોતાની ભૂમિકા બજાવી રહી છે અને ભવિષ્યમાં પણ બજાવશે. પરંતુ હવે આ લડાઇ કોરોના અને લોકો વચ્ચેની છે. હું અત્યંત સંવેદનશીલ થઈને કહું છું કે, લોકોએ એક પ્રકારની જાગૃત્તિ કેળવવાની જરૂર છે. લોકોએ પોતાની પ્રવૃત્તિ પર નિયમન કરવાની જરૂર છે. સરકાર તો બધું જ કરી રહી છે, પરંતુ જો લોકો નહીં કરે તો ઘણાં બધા પ્રશ્નો ઉભા થશે. દાખલા તરીકે માસ્ક પહેરવું જોઇએ. અનિવાર્ય રીતે પહેરવું જોઇએ, એ એ લોકોની ફરજ છે. લોકોએ પોતાના હાથ દિવસમાં જેટલી વખત ધોઈ શકતા હોય એટલી વખત ધોવા જોઇએ. કોઈ પણ એક કામ કર્યા પછી હાથ ધુઓ. લોકોએ બિનજરૂરી રીતે બહાર જવાનો પ્રયાસ ન કરવો જોઇએ. આપણે મેળાવડામાં ભાગ ન લઈએ. મેળાવડા ન થાય તેના માટેનો પ્રયાસ ચાલું છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ. બહારની વ્યક્તિને જેટલું ઓછું મળાય એટલું મળીએ અને જરૂરિયાત હોય ત્યારે જ બહાર જવું જોઇએ. 


તેમણે જણાવ્યું હતું કે, કોર્ટે ટકોર નથી કરી. કોર્ટને મેં કહ્યું કે, સરકાર તો બધા જ પગલાઓ લઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન ઘણું સુંદર કામ કરી રહ્યું છે. મેં કોર્ટને પૂછ્યું કે, આપના મગજમાં કંઈ હોય તો જણાવો અમે જરૂરથી તેના પર વિચાર કરીશું. કોર્ટનો પહેલો વિચાર એવો હતો કે, ભૂતકાળની અંદર જે રીતે 3 દિવસનો કર્ફ્યૂ રાખેલો હતો એવું કંઇ વિચારી શકાય કે નહીં. મેં કોર્ટને કહ્યું કે, ચોક્કસ વિચારી શકાય. હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ, પરંતુ આ નિર્ણયો લેવામાં સરકારને બંને તરફ વિચાર કરવો પડે. સરકાર એના પર વિચારણા ચોક્કસ કરશે. કોર્ટનું બીજું સજેશન એવું હતું કે, લગ્નમાં પહેલા 200 જણાને મંજૂરી હતી, પરંતુ હવે આપણે આ સંખ્યા કેમ ઘટાડી શકતા નથી. આ મુદ્દે વિચારી શકાય કે નહીં. મેં કહ્યું ચોક્કસ વિચારી શકાય. સરકાર ચોક્કસ વિચાર કરશે. 


ત્રીજો મુદ્દો એવો હતો કે, તમે આ બધી રેલી-મેળાવડા એ બધું સંજોગો જોતા બને તેટલા બંધ કરવાનો પ્રયાસ કરો. ચોક્કસ એના પર પણ સરકાર વિચારશે. આપણે બધાએ સમજવું જોઇએ કે, આ લડાઇમાં આપણે આગળ પડતા સૈનિકો છીએ. જો આપણે લડાઇ બરોબર લડીશું નહીં, તો સરકાર ગમે તેટલી મહેનત કરશે, તો પણ એમા પરિણામ નહીં આવે. 


તેમણે ઉમેર્યું હતું કે, સરકાર અને કોર્પોરેશને છેલ્લા પાંચ દિવસથી એવી પ્રવૃત્તિ શરૂ કરી છે કે, જે વિસ્તારમાં ખબર પડે કે પોઝિટિવ કેસ છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યક્તિ પર્સનલી ત્યાં જશે અને એ વ્યક્તિની ખબર કાઢશે અને એ વ્યક્તિને 14 દિવસ સુધી કોન્સ્ટન્ટ ફોલો કરશે. તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરશે. તેમજ એ લોકો પાસેથી પાછલા એક અઠવાડિયાની અંદર કઈ કઈ વ્યક્તિને તમે મળેલા છો, તે જાણશે. જેથી તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો તેમને મળે. એમાંથી કોઈને કંઈ તકલીફ હશે તો ક્વોરેન્ટાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તેમજ લોકોને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. સરકાર ટેસ્ટિંગ માટે પૂરેપૂરો પ્રયાસ કરવા કટિબદ્ધ છે. ગુજરાતમાં બેડ અવેલેબલ છે. અમદાવાદમાં સંજીવની રથથી સારવાર થઈ રહી છે.