અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવી  તેમની પાસે થી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક PSI ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ કાંડમાં વધુ એક આરોપી પોલીસ અધિકારીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી જેતે સમયે મહિલા ક્રાઇમમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો.  અત્યાર સુધીમાં મહિલા પીઆઈ સહિત કુલ 8 લોકોની ધરપકડ થઈ છે. 


ક્રાઇમ બ્રાન્ચે  પીએસઆઇ જે કે બ્રહ્મભટ્ટ ની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇના રોલની વાત કરવામાં આવે તો પકડાયેલા આરોપીઓની અરજીને મારફતે સમાવાળાઓને બોલાવીને સમાધાન કરાવવા પ્રયત્નો કરતા હોવાનું  સામે આવ્યું છે. જયારે હનીટ્રેપ કાંડ થયો ત્યારે આ કેસમાં આરોપી તરીકે તત્કાલીન પીઆઇ ગીતા પઠાણની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જેમાં ગીતા પઠાણે સેનેટાઇઝર પીને આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કર્યો હતો જેમાં તેની સારવાર બાદ સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવી હતી. 


આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50 થી 60 વર્ષ ના વેપારીઓને પોતાના ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.


આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુક માં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગ માં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો.


ત્યાર બાદ વેપારીને હોટેલ ના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.આ સમગ્ર ઘટના બાદ જે-તે વેપારી વિરુદ્ધ માં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો.


અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીઓને ડરાવી ને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. મહત્વ નું છે કે મહિલા પોલીસ પણ આ ગેંગ માં સામેલ હતા અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકો ની ધરપકડ કરી લેવા માં આવી છે.