અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ (Gujarat Corona Cases) હાલ કાબુમાં આવી ગયું છે. જોકે કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ બચી ગયેલા અનેક લોકો નવી મુસીબતમાં મુકાયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કોરોનાથી મુક્ત થયા બાદ અનેક લોકો રાજ રોગ તરીકે ઓળખાતા ડાયાબિટીસના શિકાર બન્યા છે. ગુજરાતને ડાયાબિટીસના કેપિટલ (Gujarat is the diabetes capital of India)  તરીકે દેશમાં ઓળખવામાં આવે છે. કોવિડ-19 બાદ આ રોગના દર્દીઓમાં તોતિંગ વધારો થયો છે.


જર્નલ ઓફ ડાયાબિટીસ, ઓબેસિટી અને મેટાબોલિસમમાં (Journal of Diabetes, Obesity & Metabolism)  પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ હોસ્પિટલમાં દાખલ થયેલા અને કોરોનાને મ્હાત આપેલા કુલ પૈકી 14 ટકાથી વધારે લોકો ડાયાબિટીસનો ભોગ બન્યા હતા. એક્સપર્ટના અંદાજ મુજબ દેશમાં મહામારી દરમિયાન એક કરોડથી વધુ લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવ્યા છે.


તબીબના કહેવા મુજબ કોવિડ સ્વાદુપિંડના ઇન્સ્યુલિન ઉત્પાદિત બીટા કોષો પર હુમલો કરી શકે છે અથવા તેમના કોષને ખામીયુક્ત બનાવે છે. જે હાઈ બ્લડ સુગર અથવા ડાયાબિટીસનું કારણ બને છે. આ ઉપરાંત સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ પણ  ડાયાબિટીસને આમંત્રણ આપી શકે છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોની કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને શનિવારે ૪૯૦ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ૨૬ માર્ચ બાદ પ્રથમવાર સૌથી ઓછા ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. અત્યારસુધી કુલ ૯,૯૯૧ના કોરોનાથી મૃત્ય થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક ૧૦ હજારની નજીક છે. અત્યાર સુધી કુલ ૭,૯૯,૦૧૨ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૭.૪૬% છે. રાજ્યમાં હાલ ૧૦૮૬૩ એક્ટિવ કેસ છે અને ૨૭૨ દર્દી વેન્ટિલેટર પર છે.


2 કરોડથી વધુ લોકોને રસી આપનારું ગુજરાત દેશનું ત્રીજું રાજ્ય


ગુજરાતમાં કોરોના રસીકરણની (Corona Vaccination) પ્રક્રિયા વધુને વધુ વેગવંતી બનાવવામાં આવી છે.  મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત હવે દેશનું માત્ર ત્રીજું એવું રાજ્ય બની ગયું છે જ્યાં રસીકરણનો આંક ૨ કરોડને પાર થયો છે. આમ, ગુજરાતમાં પ્રતિ ૧ લાખની વસતીએ સરેરાશ ૨૨,૪૦૦ વ્યક્તિ કોરોના રસીના ડોઝ લઇ ચૂકી છે. આ પૈકી વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેની સંખ્યા ૪૫ લાખ છે. આ પ્રમાણે ગુજરાતમાં બંને ડોઝ લેનારા લોકોનું પ્રમાણ ૧ લાખની વસતીએ ૬૬૦૦ છે.