અમદાવાદ:  અમદાવાદ શહેરમાં  કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે  મનપાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.  આજથી  અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનો  સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ સાથે જ  આવતીકાલથી એટલે કે શનિવાર અને રવિવાર  ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી શહેરમાં બે દિવસ સુધી મોલ અને થિયેટર બંધ રહેશે. 



અમદાવાદ અને સુરતમાં શનિવાર અને રવિવારે થિયેટર અને   મોલ બંધ રહેશે.  જેને લઈને  લોકો ખરીદી કરવા માટે મોલમાં ઉમટી પડ્યા છે. શહેરમાં આવેલા ડી-માર્ટ, નેશનલ હેન્ડલૂમ અને રિલાયન્સ માર્ટ જેવા મોલમાં લોકો ખરીદી કરી રહ્યા છે. લોકોને ભય છે કે સરકાર દ્વારા જો કોઈ નિર્ણય લેવામાં આવે તો તેમને આવનારા દિવસોમાં તકલીફ ન પડે એ માટે અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં એ માટે સિટી ટ્રાન્સપોર્ટેશન, બાગ-બગીચા અને ફરવાલાયક સ્થળો જેવી જગ્યાઓ લોકો માટે બંધ કરી દેવામાં આવી છે.


રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 



છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.