પ્રહલાદનગર ગાર્ડન પાસે ટેસ્ટિંગ ડોમ પર સવારના પ્રથમ કલાકમાં જ 9થી વધુ લોકોએ એંટીજન ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તો થલતેજ દૂરદર્શન ટાવર પાસે ટેસ્ટિંગ ડોમ પર પ્રથમ બે કલાકમાં 15 લોકોએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ શહરેમા છેલ્લા 24 કલાકમાં 81 નવા કેસ નોંધાયા હતા જ્યારે એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું.
છેલ્લા પાંચ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 1,470થી વધુ નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. તેના ઉપરથી જ સર્જાઇ રહેલી ગંભીર સ્થિતિનો તાગ મેળવી શકાય છે.કોરોનાના કેસની સ્પીડ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા હતા જ્યારે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના ફરી વકરતા મુખ્યમંત્રી રૂપાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. કોવિડના નિયમો નેવે મુકનાર રાજકીય પક્ષોના કાર્યકરોને મુખ્યમંત્રી રૂપાણીએ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.