અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં રહેતી 16 વર્ષીય સગીરા તેના માસીના દીકરા સાથે શારીરિક સંબંધથી ગર્ભવતી થઈ જતાં ખડભડાટ મચી ગયો છે. પરિવારને આ અંગે ખબર પડતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ પરિવારના સભ્યો વારંવાર તેની ભૂલ અંગે વાત કરતા હોવાથી તેણે પરિવાર સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે મહિલા હેલ્પલાઇન 181માં કોલ કરતાં તેમણે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને સગીરાને ચાઇલ્ડલાઇનને સોંપી દીધી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 16 વર્ષીય સગીરાને તેની સગી માસીના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. નાનીના ઘરે અવારનવાર મળતાં હોવાથી પ્રેમ થઈ ગયો હતો. તેમજ આ પછી બંને ફોન પર વાત કરતાં હતાં. દીકરીની માતાએ મહિલા હેલ્પલાઇનમાં દીકરીને સમજાવવા ફોન કર્યો હતો.
આથી હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. સગીરાએ જણાવ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ હતી અને મેં સુધારવાના પ્રયત્ન કર્યા હતા. જોકે, મારાં માતા-પિતા ભૂલને યાદ કરાવી મને બહાર બદનામ કરતાં હતાં. હું પ્રેગ્નેટ છું એવું લોકોને કહી બદનામ કરે છે અને આ ત્રાસથી તેમની સાથે રહેવાની સગીરાએ ના પાડી હતી.
સગીરાની માતાએ હેલ્પલાઇનને જણાવ્યું હતું કે, મારી 16 વર્ષની દીકરીને મારી બહેનના દીકરા સાથે સંબંધ છે અને અવારનવાર સમજાવવા છતાં સમજતી નથી. ઘણી વાર અડધી રાતે તથા કેટલીકવાર ત્રણ દિવસે ઘરે આવે છે. જેથી વસ્ત્રાપુર લોકેશનની ટીમ ત્યાં પહોંચી છોકરીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતાં નાનીના ઘરે જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે મારા માસીના દીકરા સાથે વધારે વાતચીત થતી હતી. માત્ર ફોન પર જ વાત કરતી હતી, જેની મારા ઘરે જાણ થતાં તેમણે મને માર માર્યો હતો. મારા પરિવારમાં પણ ખોટી વાતો કરીને બદનામ કરે છે. હું પ્રેગ્નેટ છું એમ કહી મારી છાપ ખરાબ કરે છે.
સગીરાએ પરિવારના સભ્યો સામે આક્ષેપ લગાવ્યો હતો કે, હકીકતમાં એવું કંઈ જ કર્યું નથી. માતા-પિતા શારીરિક ત્રાસ આપે છે. ભણવાનું પણ બંધ કરાવી દીધું છે. મારે માતા-પિતા સાથે નથી રહેવું, અહીંથી લઇ જાઓ . આમ, સગીરાએ પરિવાર સાથે જવાનો ઇનકાર કરતાં હેલ્પલાઇને ચાઈલ્ડલાઈનને જાણ કરી હતી. બાદમાં ચાઇલ્ડલાઈનને સગીરા સોંપી હતી.