અમદાવાદઃ શહેરના દાણીલીમડાની પરણીત યુવતી મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. જોકે, મેજિસ્ટ્રેટ અને તેમનાં પત્નીએ પરણીતાને સમજાવતા આખરે તે પતિ સાથે રહેવા તૈયાર થઈ ગઈ હતી. આથી યુવતીને ઘરે પરત મોકલવામાં આવી.
આ અંગેની વિગતો એવી છે કે, 21 વર્ષીય યુવતીને દાણીલીમડાના હસન નામના વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે યુવતીના પિતાએ તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ એક યુવક સાથે કરી દીધા હતા. લગ્ન પછી યુવતી સાસરીમાં જતી રહી હતી. સાસરીમાં થોડા સમયથી બીમાર હોવાથી તે દસ દિવસ પિયર આવી હતી. દરમિયાન તે પ્રેમી હસન સાથે ભાગી ગઈ હતી. બીજી તરફ માતા-પિતાને દીકરી ગુમ થયાની જાણ થતાં તેમણે સાસરી અને સગા-સંબંધીને ત્યાં તપાસ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
અંતે યુવતીના પિતાએ પોલીસમાં અરજી કરતાં 15 દિવસ પછી યુવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને પોતાની મરજીથી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે માતા-પિતા કે પતિ સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાનું જણાવ્યું હતું.
યુવતીને પોલીસે એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. આર. પટેલના નિવાસસ્થાને રજૂ કરી હતી. અહીં પણ તેણે આ જ વાતનું રટણ કર્યું હતું તેમજ નારી સંરક્ષણ ગૃહમાં મોકલવા રજૂઆત કરી હતી. મેજિસ્ટ્રેટના ઘરે હાજર કરાયેલી યુવતીની વાત મેજિસ્ટ્રેટનાં પત્ની શિવાંગીબેને સાંભળી હતી. બીજી તરફ યુવતીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પાલડી વિકાસ ગૃહમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જોકે, યુવતીનો સંસાર બગડે નહીં તે માટે મેજિસ્ટ્રેટ અને તેમનાં પત્નીએ યુવતીને સમજાવી હતી. સમજાવટથી યુવતી ઘરે પરત ફરવા તૈયાર થઈ હતી.
આમ, મેજિસ્ટ્રેટ અને તેમના પત્ની શિવાંગીબેનના કાઉન્સેલિંગને કારણે પરણીતાનું જીવન ફરી એકવાર પાટા પર ચડ્યું હતું. યુવતીએ પોતાની જીદ છોડી પિતાના ઘરે જવા રાજીપો બતાવ્યો હતો. આમ, યુવતી તૈયારી થતાં પાલડી વિકાસ ગૃહે અરજી કરી હતી કે, યુવતી સંસ્થામાં રહેવા માંગતી નથી. તે પોતાના પિતાના ઘરે જવા માંગે છે. આમ, આનો સુખદ અંત આવતાં મેજિસ્ટ્રના પત્ની શિવાંગીબેન મીઠાઇ પણ વહેંચી હતી.