અમદાવાદઃ ગત 18 જુલાઇએ પોતાની મંગેતરને મળવા ગયેલા યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. સરખેજના યુવકની કડીથી લાશ મળી આવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નોંખ્યો છે તેમજ આરોપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કડીની કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, ગત 18 જુલાઇએ નદીમ કુરેશી પોતાની મંગેતર બિલકીશબાનુને મળવા માટે અમદાવાદથી કડી ગયો હતો. જોકે, ઘરે પરત નહીં ફરતા પરિવારે સરખેજમાં ગુમ થયા બાબતની જાણવા જોગ નોંધાવી હતી. ફરિયાદને આધારે SOGની ટીમે ખાનગી રાહે તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાનું સામે આવ્યું હતું. બીજા દિવસે કડી પાસે રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી નદીમનો હત્યા કરાયેલી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો. આ અંગે કડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.


મૃતકને છેલ્લે રસ્તામાં સરફરાજ નામના વ્યક્તિએ ઊભો રાખી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોવાની SOGની ટીમને ચોક્કસ હકીકત મળી હતી. આથી SOG ક્રાઈમે સરફરાજ મુલ્લાની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી.


પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે, સરફરાજ અને મૃતકની મંગેતર વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધમાં હતા. જોકે, પ્રેમિકા બિલકીશબાનુની નદીમ કુરેશી સાથે સગાઈ થતા પ્રેમસંબંધમાં તકરાર ઉભી થઈ હતી. જેને પગલે સરફરાજે નદીમનું કાસળ કાઢી નાખવાના ઈરાદે બિલકીશબાનુની મદદથી નદીમને કડી મળવા બોલાવ્યો હતો. બાદમાં કાવતરુ રચી આરોપીને મોતને ઘાટ ઉતાર્યો હતો.


પોલીસે સરફરાજ મુલ્લાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાકાંડમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી ક્રાઈમે આરોપીને કડી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે આ કેસમાં આરોપી સરફરાજનો ભાઈ અને નદીમની મંગેતરની પણ સંડોવણી સામે આવી છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.