અમદાવાદ:  અમદાવાદના સાયન્સ સિટીમાં દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી બની છે. અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલી એક્વેટિક ગેલેરીનું ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. જોકે સાયન્સ સિટીની એકવેટિક ગેલેરીનું વાતાવરણ માછલીઓને માફક નથી આવી રહ્યું.


કેમ થઈ રહ્યા છે માછલીઓના મોત ?


મળતી વિગત પ્રમાણે, એક્વેટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થઈ રહ્યા છે. અલગ અલગ ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતિની 11,690 માછલીઓ અહીં લાવવામાં આવી છે. વાતાવરણ અને ફૂડ માફક ન આવતા માછીલીઓ મોતને ભેટતી હોવાની માહિતી મળી છે.






એક્વેટિક ગેલેરીની વિશેષતાઓ



  • આ ગેલેરી 266 કરોડના ખર્ચે તૈયાર થઈ છે, જેમાં કુલ 68 ટેન્કમાં 40 લાખ લીટર પાણીમાં આ ગેલેરી બનાવવામાં આવી છે.

  • તેમાં ત્રણ પ્રકારના પાણીની માછલીઓ રાખવામાં આવી છે, તાજું પાણી, દરિયાઇ પાણી અને સેન્દ્રિય પાણી.

  • આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની લગભગ 12 હજાર જેટલી માછલીઓ છે. 

  • અહીં માછલીઓની અનુકૂલનની તાસીર અને જરૂરિયાત મુજબ જે તે ટેન્કમાં સતત શુદ્ધ પાણી નાખી ખારું કે સેન્દ્રિય પાણી બનાવીને નવું પાણી ઉમેરવામાં આવે છે. તેમજ તેને કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા રહિત કરવામાં આવે છે.

  • દરેક ટેન્કની પાછળ સ્વયં સંચાલિત સિસ્ટમ મૂકવામાં આવી છે, જે પાણીનું સતત અવલોકન કરે છે.

  • આ એક્વેટિક ગેલેરી છ ભાગમાં વહેંચાયેલી છે. જેમાં ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેઇન શાર્ક ટેન્ક. 

  • શાર્ક ટેન્કમાં 27 મીટર લાંબી ટનલમાંથી ચારે તરફ શાર્ક અને અન્ય માછલીઓ ગુજરાતના દ્વારકાના દરિયામાં તરતી હોય તેવી થીમ સાથેના એક્વેરિયમની ટનલમાંથી પસાર થઈ શકશો. 

  • આ ટેન્કમાં 11 પ્રકારની શાર્ક જોઈ શકાશે.  અન્ય ટનલમાં પણ જે તે ઝોનની માછલીઓ મુજબ તેની થીમ ડિઝાઇન કરવામાં આવી છે. 

  • આગામી સમયમાં કોરોના અને બર્ડફ્લૂની સ્થિતિ હળવી થતાં સાઉથ આફ્રિકન પેંન્ગ્વિન પણ આ ગેલેરીમાં સમાવાશે, તો ઘર આંગણે પેંન્ગ્વિન જોઈ શકાય તેવું શક્ય બનશે.

  • દરેક પ્રદેશમાંથી આવતી માછલીઓ માટે કોરેન્ટાઇન ઝોન બનાવવામાં આવ્યા છે. જે વિવિધ દેશોમાંથી વિમાનમાર્ગે અહીં પહોંચ્યા પછી અહીંના વાતાવરણમાં અનુકૂલન સાધી લે ત્યારબાદ તેને આ ઝોનમાંથી ટેન્કમાં લાવવામાં આવે છે.