સોલામાં હાર્મની હોમ્સ વિભાગ-4માં રહેતા ગિરીશભાઈ પી.પટેલ (39 વર્ષ ) તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. વિરમગામ ખાતે ફેક્ટરી ધરાવે છે. સાથે સાથે તે બિઝનેસ પણ કરે છે. ત્રણેક મહિના અગાઉ પત્નીનો ફોન અવારનવાર વ્યસ્ત આવતા આ બાબતે પૂછતા પત્નીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેમનાં પત્નિ સેજલબેને ધમકી પણ આપી હતી કે, આ મારૂ મકાન છે તેથી હું ફાવે તેમ કરીશ. તમને ના ફાવે તો તમે તમારા છોકરાઓને લઈને જતા રહો. આ પછી સેજલબેને તેમને પરેશાન કરતાં તેઓ બાળકો સાથે તેમના માતાપિતાને ત્યાં રહેવા જતા રહ્યા હતા. પત્ની સેજલબહેન તેમના સાયન્સ સિટી રોડ પરના સહજાનંદ સ્ટેટસના મકાનમાં એકલા રહેતા હતા.
ગિરીશભાઈએ તપાસ કરતા પત્નિને વીસનગર ખાતે રહેતા ધીરજ પ્રજાપતિ નામના 18 વર્ષના છોકરા સાથે અફેર હોવાની ખબર પડી હતી. સેજલબેન પણ 29 જુનથી મકાન બંધ કરીને તેના માતાપિતાના ગાંધીનગરના ઘરે રહેવા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગિરીશભાઈને દાગીનાની જરૂર પડતા તેમણે તેમના સહજાનંદ સ્ટેટસ મકાનમાં તપાસ કરતા રૂપિયા 10.10 લાખૉ ની કિંમતના દાગીના તથા બાળકોના પાસપોર્ટ અને લિવીંગ સર્ટિફિકેટ પણ ગુમ હતા. તેમના બેન્કના જોઈન્ટ ખાતાના લોકરની ચાવી પણ ગુમ હતી. આ અંગે તેમણે પત્ની સેજલબહેન તથા ધીરજ પ્રજાપતિ પર શંકા કરીને સોલા પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.