Ahmedabad: શહેરના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડી છે. સી.એન.વિદ્યાલય પાસે નવનિર્મિત સાઇટ ઉપર ભેખડ પડવાની ઘટના બની છે. એચ.આર.કન્સ્ટ્રક્શન ગ્રૂપ દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવતું હતું, જેમાં એક યુવક અને બાળકી ઇજાગ્રસ્ત થયા છે. બંને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


તાજેતરમાં નરોડામાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા દુર્ઘટના ઘટી હતી. ભેખડ ધસી પડતા મહિલા શ્રમિક સહિત 3 ના મોત થયા હતા. વરસાદના કારણે ભેખડ ધસી પડી હોવાની માહિતી સામે આવી છે. ફાયર વિભાગને 4.30 વાગે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ જાણ થઈ કે ત્રણ મજૂરો દટાયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનામાં મહિલા સહિત 3 લોકો મોતને ભેટતા શોકનો માહોલ સર્જાયો છે. આ તમામ લોકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદના રીંગરોડ સર્કલ પાસે  હંસપુરા દેહગામ રોડ પાસે આવેલી ફોર્ચ્યુન એમ્પાર કન્સ્ટ્રકશન સાઇટ ખાતે આ ઘટના બની હતી.


થોડા દિવસો પહેલા વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક  ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં  દોડધામ મચી ગઇ હતી. એકનુ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરામાં ચાલુ વરસાદે બાંધકામના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતાં અહીં કામ કરતા બે શ્રમિક દટાયા હતા. ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયરની ટીમને કોલ કરીને બોલાવવાં આવી હતી. વરસાદ વચ્ચે ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.