અમદાવાદઃ સાણંદમાં શિક્ષિકાએ પતિ અને સાસરીવાળાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સાસરીવાળા દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હોવાની તેમજ પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ યુવતીના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.  સાણંદ પોલીસે ફરિયાદ નોંધી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી છે. શિક્ષિકાએ ગત 2 જૂને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અવનીબેનના લગ્ન બે વર્ષ પહેલા રાજકોટના રવિરાજ જિતેન્દ્રભાઈ દેવમુરારી સાથે થયા હતા. રવિરાજ સિવિલ એન્જીનીયર તરીકે અમદાવાદમાં નોકરી કરતો હોવાથી સાણંદ શહેરના બાયપાસ હાઈવે પાસે આવેલ ઓર્ચિડ હોમ ખાતે ભાડાના ફ્લેટમાં રહેતા હતા.


ગત 2 જુને અવનીબેનના પિતા નરેન્દ્રભાઈ ઉર્ફે દિનેશભાઈ અગ્રાવત(રહે.મોરબી)ને અવનીબેનના સસરા જીતેન્દ્રભાઈ દેવમુરારીએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારી દીકરી અવનીની તબિયત ખરાબ છે અને તેને સાણંદ દવાખાને દાખલ કરી છે. અવનીબેનના સસરાના મોટાભાઈએ જણાવ્યું હતું કે અવનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધે છે. આમ, સાસરીમાંથી ફોન આવા અવનીનો પરિવાર સાણંદ સરકારી દવાખાને આવી પહોચ્યો હતો.


20 દિવસ અગાઉ અવની પિયર આવી હતી અને દસ દિવસ રોકાઈ હતી. આ સમયે અવનીએ તેની માતાને જણાવ્યું હતું કે, તેના પતિને લગ્ન અગાઉથી જ એક યુવતી સાથે પ્રેમસંબધ છે અને મને ખુબજ હેરાન કરે છે. એટલું જ નહીં, પતિ પોતાના પગારનો કોઈ હિસાબ આપતા નથી અને પોતાની પાસે વારંવાર પૈસા માંગ છે. એટલું જ નહીં, તેનું એટીએમ પરાણે લઈ લે છે અને તેમાંથી પૈસા ઉપાડી લે છે. આટલું ઓછું હોય તેમ સાસુ-સસરા કરિયાવરમાં કંઇ આપ્યું નથી, તેવા મ્હેણા મારતા હોવાનું પણ તેની માતાને કહ્યું હતું. રવિરાજ મારઝૂડ કરતો હોવાની ફરિયાદ પણ દીકરીએ તેની માતાને કરી હતી. 


જોકે, દીકરીનો ઘરસંસાર ભાંગે નહીં તે માટે પિતાએ તેને સમજાવીને સાસરે મોકલી આપી હતી. જોકે, દીકરીએ 2 જૂને આપઘાત કરી લેતા અવનીના પિતા નરેન્દ્રભાઈ અગ્રાવતે 7 જુને સાણંદ પોલીસમાં રવિરાજ જીતેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ, અલ્કાબેન જીતેન્દ્રભાઈના વિરૂદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દહેજ ભુખ્યા સાસરિયાના કારણે શિક્ષિકા એવી યુવતીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.